રસ્તામાંથી નીકળતી વેળાએ ઈશારા કરવાની ના પાડતા કર્યો હુમલો, પોલીસે ગુનો નોંધ્યોમોરબી : માળીયા મીંયાણા તાલુકાના સુલતાનપુર ગામમાં જૂની અદાવતના ખારમાં બે સગા ભાઈઓ પર ચાર શખ્સોએ લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો કર્યો હોવાની ચકચારી ઘટના સામે આવી છે. બપોરના સમયે રસ્તામાં નીકળતી વખતે ઇશારા કરવાની ના પાડી સમજાવટ કરવાનો ખાર રાખીને રાત્રિના સુમારે આ હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.ફરિયાદમાં નોંધાયેલી વિગત મુજબ સુલતાનપુર ગામે રહેતા અને મજૂરી કામ કરતા સુનીલભાઈ લાભુભાઈ દેગામા ગત તા. ૨૯ના રોજ બપોરે વાડીએથી ભાઈ વિક્રમ સાથે પરત ફરતા હતા. તે દરમિયાન ગામના અક્ષય અમરશીભાઈ સીતાપરાએ તેમની સામે ઇશારા કરતાં સુનીલભાઈએ ચારેક મહિના જૂનો ઝઘડો પતી ગયો હોવાથી ખોટા નખરા ન કરવા સમજાવ્યું હતું. આ બાબતનો ખાર રાખી તે જ રાત્રે સાડા નવેક વાગ્યે સુનીલભાઈ અને વિક્રમ ગામમાં રામદેવપીરના મંદિર તરફથી ઘર તરફ જતા હતા. ત્યારે આંગણવાડી સામે પાનના ગલ્લા પાસે અક્ષય અમરશીભાઈ સીતાપરા તથા તેના ત્રણ ભાઈઓ મહીપત, રાહુલ અને અજય લાકડાના ધોકા લઈને ઊભા હતા અને બોલાચાલી કરી ચારેય જણા તૂટી પડ્યા હતા.હુમલાખોરોએ સુનીલભાઈને માથા, ડાબા હાથ અને બરડાના ભાગે આડેધડ ધોકા ફટકાર્યા હતા. આ વેળાએ સુનીલભાઈને છોડાવવા વચ્ચે પડેલા નાના ભાઈ વિક્રમને પણ અક્ષય અને રાહુલે બંને પગે તથા હાથે ધોકા મારી ઇજાઓ પહોંચાડી હતી. ગ્રામજનો દોડી આવતાં અક્ષયે હવે પછી ભેગો થઈશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. ઇજાગ્રસ્તોને પ્રથમ જેતપર સરકારી હોસ્પિટલ અને બાદમાં સુનીલભાઈને વધુ સારવાર અર્થે મોરબી સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. આ અંગે માળીયા મીંયાણા પોલીસે અક્ષય, મહીપત, રાહુલ અને અજય સીતાપરા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.