બાળકોના ફટાકડા ફોડવા બાબતે બે પરિવારો સામસામે આવ્યા: એક પક્ષે દરવાજા પર ધોકા મારી ધમકી આપ્યાની, તો સામા પક્ષે સમાધાન કરવા જતા માથામાં લાકડી ફટકારી દીધાની નોંધાઈ ફરિયાદમોરબી અપડેટ : મોરબીના ઘૂંટુ રોડ પર આવેલી રામકો વિલેજ સોસાયટીમાં બાળકો દ્વારા ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે પાડોશીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે. આ મામલે બંને પક્ષોએ મોરબી તાલુકા પોલીસ મથકમાં સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, પ્રથમ ફરિયાદમાં રામકો વિલેજ સોસાયટીમાં રહેતા લક્ષ્મીબેન આશિષભાઈ શ્રીવાસ્તવ (ઉ.વ. 34) એ 6 પાડોશીઓ સામે ગુનો નોંધાવ્યો છે. લક્ષ્મીબેનની ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગત તા. 27/09/2026 ના રોજ સાંજના સમયે પાડોશમાં રહેતી ભક્તિબેનનો દીકરો તેમના ઘર પાસે ફટાકડા ફોડતો હતો. લક્ષ્મીબેને આ બાબતે તેને ના પાડી હતી. જે વાતનો ખાર રાખીને તા. 28/09/2026 ના રોજ રાત્રે 7 વાગ્યાની આસપાસ ભક્તિબેન અને ગીતાબેન લાકડાના ધોકા લઈને આવ્યા હતા અને લક્ષ્મીબેનના ઘરના દરવાજામાં ધોકા મારી અપશબ્દો કહ્યા હતા. ત્યારબાદ હઠીસિંહ, શિવરાજ ભાટી, દીલુભા અને શક્તિ દીલુભા ત્યાં આવી ગયા હતા અને ભક્તિબેન તથા ગીતાબેનને માર મારવા માટે ઉશ્કેર્યા હતા. આ સમયે શિવરાજે લક્ષ્મીબેનને હાથ-પગ ભાંગી નાખવાની ધમકી આપતા લક્ષ્મીબેને 112 નંબર પર પોલીસને જાણ કરી હતી. આ મામલે લક્ષ્મીબેને ભક્તિબેન હઠીસિંહ, ગીતાબેન, હઠીસિંહ, શિવરાજ ભાટી, દીલુભા અને શક્તિ દીલુભા સામે ફરિયાદ નોંધાવી છે.જ્યારે સામા પક્ષે ભક્તિબા હઠીસિંહ પઢીયાર (ઉ.વ. 30) એ લક્ષ્મીબેન શ્રીવાસ્તવ સામે વળતી ફરિયાદ નોંધાવી છે. ભક્તિબાની ફરિયાદ મુજબ, ફટાકડા ફોડવા મુદ્દે થયેલી બોલાચાલીનું સમાધાન કરવા માટે ગત તા. 28/09/2026 ના રોજ રાત્રે તેઓ અને તેમના મામાની દીકરી ગીતાબેન બંને લક્ષ્મીબેનના ઘરે સમજાવવા માટે ગયા હતા. ત્યાં લક્ષ્મીબેને ઉશ્કેરાઈ જઈ બોલાચાલી કરી પોતાના હાથમાં રહેલ લાકડીનો એક ઘા ભક્તિબાના માથાના ભાગે મારી દીધો હતો. ઉપરાંત વચ્ચે પડેલા ગીતાબેનને પણ ડાબા હાથમાં લાકડીનો ઘા મારી મૂંઢ ઈજા પહોંચાડી હતી. ઈજાગ્રસ્ત ભક્તિબા અને ગીતાબેનને તાત્કાલિક સારવાર અર્થે મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.બંને પક્ષો વચ્ચે એક જ સોસાયટીમાં રહેતા હોવાથી સમાધાનના પ્રયાસો ચાલતા હતા, પરંતુ સમાધાન નિષ્ફળ જતા અંતે 30/09/2026 ના રોજ મોરબી તાલુકા પોલીસે બંને પક્ષોની સામસામી ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.#Morbi #MorbiNews #CrimeNews #CrossComplaint #GhuntuRoad #MorbiTalukaPolice #MorbiUpdates