ચાર વર્ષમાં 102 બાળકોને ઓરી નિકળા, સિરામિક ઉદ્યોગને કારણે માઈગ્રેટરી શ્રમિકોની વ્યાપક અવર જવરથી રસીકરણ કામગીરીને પડકાર જિલ્લામાં દર વર્ષ 23થી 25 હજાર બાળકોને આપવામાં આવે છે વિવિધ પ્રકારની રસીમોરબી : સિરામિક હબ મોરબી જિલ્લામાં છેલ્લા ચારથી પાંચ વર્ષમાં વેકસીન પ્રિવેન્ટબલ ડીસીઝ એટલે વેકસીનથી અટકાવી શકાય તેવી મિઝલ્સ (ઓરી)ની બીમારીના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે.આરોગ્ય વિભાગ દ્વારા સઘન ઝુંબેશ ચલાવવા છતાં પણ ઓરી રોગના કિસ્સાઓ જોવા મળી રહ્યા છે જેની પાછળનું મુખ્ય કારણ જિલ્લામાં સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં રોજગાર મેળવવા આવતા માઈગ્રેટરી એટલે કે, પરપ્રાંતીય શ્રમિકો હોવાનું સામે આવ્યું છે.મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા પોલિયો, ડીપ્થેરિયા, મિઝલ્સ, રુબેલા સહિતના વિવિધ રોગથી બાળકો મુક્ત રહે તે માટે સઘન રસીકરણ ઝુંબેશ ચલાવી, આંગણવાડી, શાળા, ડોર - ટુ - ડોર તેમજ અંતરિયાળ વિસ્તારમાં આવેલ એક - એક કારખાના સુધી પહોંચી નાના બાળકોને ગંભીર બીમારી સામે રક્ષણ આપતી રસી આપવામાં આવે છે. જો કે, આમ છતાં વર્ષ 2023થી વર્ષ 2026 સુધીમાં જિલ્લામાં 100થી વધુ બાળકોને મિઝલ્સ એટલે કે, ઓરીના રોગનો ભોગ બન્યા હોવાનું સરકારી ચોપડે નોંધાયું છે. મોરબી જિલ્લાના એપેડમિક ઓફિસર ડો.બાવરવાના જણાવ્યા મુજબ વર્ષ 2023મા 20, 2024મા 00, 2025મા 08 અને વર્ષ 2026મા ચાલુ માસ સુધીમાં મિઝલ્સના 74 કેસ જોવા મળ્યા છે.વેકસીનેશન થયું હોવા છતાં બાળકોમાં મિઝલ્સના કેસ સામે આવવા પાછળનું કારણ જણાવતા ડો.બાવરવા ઉમેરે છે કે, મોટાભાગના કિસ્સા માઈગ્રેટરી શ્રમિકોમાં જ જોવા મળી રહ્યા છે.મિઝલ્સની રસીના બાળકને બે ડોઝ આપવામાં આવતા હોય છે જેમાં પ્રથમ ડોઝ બાળક 9થી 12 માસનું થાય ત્યારે અને બીજો ડોઝ 16થી 24 માસ એટલે કે, દોઢથી બે વર્ષનું થાય ત્યારે આપવામાં આવે છે. ખાસ કરીને પરપ્રાંતીય શ્રમિકો પોતાના પ્રદેશથી ગુજરાતમાં આવતા હોય છે ત્યારે પૂરતી તકેદારી રાખી બાળકને રસી ન આપવાના કારણે પણ મિઝલ્સ થવાની શકયતા રહેતી હોય છે. જો કે, દુનિયાની કોઈ પણ રસી 100% રક્ષણ આપતી નથી. સાથે જ દરેક વ્યક્તિનું શરીર રસીને એકસરખો પ્રતિસાદ આપતું નથી. જો બાળકમાં કુપોષણ હોય, રોગપ્રતિકારક શક્તિ નબળી હોય અથવા કોઈ અન્ય બીમારી હોય, તો રસી મૂક્યા પછી પણ શરીરમાં પૂરતા પ્રમાણમાં રક્ષણાત્મક કણો બનતા નથી.રસી મૂક્યા પહેલાં જ ચેપ લાગ્યો હોય તો પણ ઓરી થઈ શકેરસી મૂક્યા પછી શરીરમાં રોગ સામે લડવાની શક્તિ બનતા 2 થી 3 અઠવાડિયા લાગે છે. જો રસી મૂકવાના થોડા દિવસો પહેલાં કે તરત જ વાયરસ શરીરમાં પ્રવેશી ગયો હોય, તો રસી પોતાનું કામ શરૂ કરે તે પહેલાં રોગના લક્ષણો દેખાઈ શકે છે. સાથે જ રસી લીધાના ઘણા વર્ષો પછી શરીરમાં બનેલા એન્ટીબોડીઝનું પ્રમાણ કુદરતી રીતે ઘટી જાય છે, જેનાથી ફરી ચેપ લાગવાની શક્યતા રહે છે.રસી લીધા પછી જો ઓરી થાય તો પણ રસી વ્યર્થ જતી નથીરસી લીધેલા બાળકમાં મિઝલ્સ રોગના થાય તો પણ રોગના લક્ષણો ખૂબ જ હળવા રહે છે, બાળક થોડા જ દિવસોમાં સાજું થઈ જાય છે અને ન્યુમોનિયા કે મગજના સોજા જેવી જીવલેણ ગંભીરતાથી બચી જતું હોવાનું તબીબી સૂત્રો જણાવી રહ્યા છે.મિઝલ્સ (ઓરી)ના સામાન્ય લક્ષણોઓરી વાયરસથી થતો અત્યંત ચેપી રોગ છે. તેના લક્ષણો સામાન્ય રીતે વાયરસનો ચેપ લાગ્યાના ૧૦ થી ૧૪ દિવસ પછી જોવા મળે છે, શરૂઆત સામાન્ય તાવથી થાય છે, જે ધીમે-ધીમે વધે છે. સતત સૂકી ખાંસી આવવી. નાક બંધ થવું અથવા નાકમાંથી સતત પાણી નીકળવું. આંખો લાલ થઈ જવી, આંખમાંથી પાણી નીકળવું, ગળામાં દુખાવો, થાક, અશક્તિ અને ભૂખ ન લાગવી, મોઢાની અંદર સફેદ ટપકાં દેખાયાના ૨-૩ દિવસ પછી શરીર પર ફોલ્લીઓ નીકળવી, મોઢાની અંદર ગાલના ભાગે નાના સફેદ કે રાખોડી રંગના ટપકાં દેખાય છે, આ ઓરીની મુખ્ય ઓળખ છે. ઓરી મુખ્યત્વે હવા દ્વારા (ઉધરસ કે છીંકથી) ખૂબ જ ઝડપથી ફેલાય છે.