વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર ગામથી પાનેલી જવાના રસ્તે ગત તા.27ના રોજ રાત્રીના સમયે પુરપાટ ઝડપે દોડતા ડમ્પર ચાલકે પોતાનું ડમ્પર અચાનક વળાંક વાળી લઈ આગળ જતી છકડો રીક્ષાને હડફેટે લઈ અકસ્માત સર્જતાં આ અકસ્માતમાં છકડો રિક્ષા ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત સર્જી વાહન રેઢું મૂકી નાસી જનાર ડમ્પર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે.પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર નજીક પાવરહાઉસથી પાનેલી ગામ તરફ જતા રસ્તા પર ગત તા.27ના રોજ રાત્રીના સમયે જીજે - 36 - વી - 9314 નંબરના ડમ્પર ચાલકે પુરપાટ ઝડપે પોતાનું ડમ્પર હંકારી અચાનક જ ડમ્પરને વળાંક વાળતા આગળ જતી જીજે - 03 - એક્સ - 4952 નંબરની છકડો રીક્ષાને હડફેટે લેતા રીક્ષા ચાલક મુકેશભાઈ સતાભાઈ મુંધવા રહે.સરતાનપર વાળાને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માત બાદ ડમ્પર ચાલક વાહન મૂકી નાસી જતા મૃતક મુકેશભાઈના ભાઈ બાબુભાઇ સતાભાઈ મૂંધવા રહે.સરતાનપર વાળાઓએ ડમ્પર ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.