ગુજરાતની 36 ગ્રાહક અદાલતોમાં માત્ર 9 જજો હોવાથી અનેક કેસો વર્ષોથી પેન્ડિંગ, પોલીસ દ્વારા વોરંટની બજવણીમાં પણ વિલંબ થતો હોવાની ફરિયાદમોરબી અપડેટ : રાજ્યની ગ્રાહક અદાલતોમાં ચાલતા કેસોમાં થતા અસહ્ય વિલંબ અંગે મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે.મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા તારીખ 28/09/26 ના રોજ લખાયેલા પત્રમાં જણાવાયું છે કે, જિલ્લા ગ્રાહક અદાલતોમાં કેસનો નિકાલ થવામાં 5 થી 6 વર્ષ જેટલો લાંબો સમય લાગી જાય છે. જો ગ્રાહક કેસ જીતી ગયા બાદ સામેવાળી પાર્ટી સ્ટેટ કમિશનમાં જાય, તો ત્યાં પણ 5 થી 6 વર્ષ સુધી કોઈ ઉકેલ આવતો નથી અને 7-8 મહિનાની લાંબી તારીખો આપવામાં આવે છે. ઘણીવાર તો ગ્રાહકની ઉંમર થઈ જવાથી તેઓ મૃત્યુ પામે ત્યાં સુધી ન્યાય મળતો નથી, જેના કારણે ગ્રાહકોનો કાયદા પરથી વિશ્વાસ ઊઠી રહ્યો છે.રજૂઆતમાં એક ગંભીર બાબત સામે આવી છે કે, ગુજરાત રાજ્યમાં કુલ 36 ગ્રાહક અદાલતો છે, પરંતુ તેની સામે માત્ર 9 જ ન્યાયમૂર્તિઓ ફરજ બજાવે છે. એક ન્યાયમૂર્તિ પાસે 5-5 જિલ્લાઓનો ચાર્જ છે અને સ્ટાફની પણ નવી ભરતી થતી નથી. મોરબી જિલ્લાની ગ્રાહક અદાલત બંધ થતા કેસો જામનગર ટ્રાન્સફર કરાયા હતા, પરંતુ ત્યાંથી કોઈ જવાબ ન મળતા હાલ મોરબી જિલ્લા તકરાર નિવારણ આયોગ રાજકોટ ખાતે ચાલી રહ્યું છે.વધુમાં, ગ્રાહકોની તરફેણમાં જે વોરંટ નીકળે છે તેની પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા સમય મર્યાદામાં બજવણી થતી નથી. પરિણામે ગ્રાહકો જીતેલો કેસ પણ હારી જાય તેવી સ્થિતિ સર્જાય છે. મંડળે ગૃહવિભાગને ખાસ અપીલ કરી છે કે પોલીસ ખાતા દ્વારા વોરંટની સમયસર બજવણી થાય તેવી કડક સૂચના આપવામાં આવે જેથી ગ્રાહકોને ખરા અર્થમાં ન્યાય મળી શકે.આ ગંભીર સમસ્યાના સત્વરે નિવારણ માટે રજૂઆતની નકલો ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, ગ્રાહક બાબતોના કેબિનેટ મંત્રી રમાગુભાઈ બી. સોલંકી, કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા મંત્રી નિમુબેન બાંભણીયા, સાંસદ વિનોદભાઈ ચાવડા, રાજ્યકક્ષાના મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને સબ રજીસ્ટ્રાર સ્ટેટ કમીશન અમદાવાદને પણ મોકલવામાં આવી છે.#Morbi #MorbiUpdate #ConsumerCourt #ConsumerRights #JagoGrahakJago #GujaratNews #MorbiNews #ConsumerProtection #JusticeDelayed