તાલુકા પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ બે લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરીમોરબી અપડેટ : મોરબી-હળવદ રોડ પર આવેલા નીચી માંડલ ગામની સીમમાં શિવ પેટ્રોલ પંપની બાજુમાં આવેલી રાધે પાન નામની દુકાને નાસ્તો લેવા ગયેલા એક યુવાન સાથે બોલાચાલી કરી, ગાળો ભાંડી અને જાતિ પ્રત્યે અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઇ છે. આ મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો છે.પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, હિતેશભાઈ ગોવિંદભાઈ છાસીયા (ઉંમર 28) કે જેઓ નીચી માંડલ ગામની સીમમાં સેનીસ્ટો સિરામિક કારખાનાની લેબર કોલોનીમાં રહે છે અને ખાનગી નોકરી કરે છે, તેઓ તારીખ 28/09/2026 ના રોજ રાતના આશરે 10:30 વાગ્યે તેમના સાથીદાર અનિલભાઈ સાથે રાધે પાન પર નાસ્તો લેવા ગયા હતા. 65 રૂપિયાનું બિલ ઓનલાઈન ચૂકવતી વખતે દુકાન પર હાજર જીતુભાઈ પટેલ નામના શખ્સે તેમની પાસે ઉભેલા અન્ય વ્યક્તિ વિશે પૂછપરછ કરી હતી. હિતેશભાઈએ ના પાડવા છતાં જીતુભાઈએ બોલાચાલી શરૂ કરી હતી અને ગાળો ભાંડી હતી.વિવાદ વધતા હિતેશભાઈના કોન્ટ્રાક્ટર અરવિંદભાઈ વાઘેલા ત્યાં પહોંચ્યા હતા અને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જીતુભાઈએ હિતેશભાઈ પર હાથ ઉગામવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ જીતુભાઈના ભાઈ વિપુલભાઈ પટેલ પણ ત્યાં આવી ગયા હતા. વિપુલભાઈએ હિતેશભાઈને જાતિ પ્રત્યે અપમાનિત કરતા શબ્દો કહીને, 'હવે પછી અહીં દેખાણો તો તારા હાથ પગ ભાંગી નાખીશ' તેવી ધમકી આપી હતી. આ સમયે હિતેશભાઈના શેઠ સ્મિતભાઈ પટેલ અને કિશનભાઈ પટેલ આવી જતા તેઓ હિતેશભાઈને પોતાની ગાડીમાં બેસાડીને કારખાને લઈ ગયા હતા.આ બનાવ અંગે હિતેશભાઈ છાસીયાએ તારીખ 29/09/2026 ના રોજ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જીતુભાઈ પટેલ અને વિપુલભાઈ પટેલ (બંને રહે. રાધે પાન, શિવ પેટ્રોલ પંપની બાજુમાં, નીચી માંડલ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે BNS ની કલમ 352, 351(2), 54 તેમજ એટ્રોસિટી એક્ટની કલમ 3(1)(r), 3(1)(s), 3(2)(va) મુજબ ગુનો નોંધ્યો છે. આ કેસની વધુ તપાસ નાયબ પોલીસ અધિક્ષક વી.બી. દલવાડી ચલાવી રહ્યા છે.#Morbi #MorbiNews #MorbiUpdate #AtrocityAct #MorbiPolice #CrimeNews #NichiMandal #GujaratNews