ખેતીની જમીનના મૂલ્યાંકન માટે નિયમ મુજબના વેલ્યુઅર વગર એકતરફી કાર્યવાહી ગેરકાયદેસર: મહેશ રાજકોટીયામોરબી અપડેટ : મોરબી જિલ્લામાં વીજ ટ્રાન્સમિશન લાઇન અને ટાવર ઊભા કરવા માટે ખેડૂતોની સંમતિ વગર પ્રશાસન દ્વારા માર્કેટ રેટ કમિટી (MRC) ની એકતરફી કાર્યવાહી હાથ ધરાઈ હોવાના આક્ષેપ સાથે ખેડૂત નેતા મહેશ રાજકોટીયા અને કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરને 7 કાયદાકીય મુદ્દાઓ સાથે લેખિત રજૂઆત કરી સરકાર પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે.રજૂઆતમાં જણાવ્યા મુજબ, તંત્ર દ્વારા ખેડૂતોને તારીખ 21/09/2026 ના રોજ નોટિસ પાઠવી તારીખ 24/09/2026 ના રોજ MRC સમક્ષ હાજર રહેવા જણાવવામાં આવ્યું હતું અને જો હાજર નહીં રહે તો ખેડૂત વેલ્યુઅર નીમવા માંગતા નથી તેમ માની એકતરફી કાર્યવાહી કરવાની ચીમકી આપવામાં આવી હતી. આ પગલાંને બંધારણીય અધિકારો પર તરાપ સમાન ગણાવી ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે.રાજ્ય સરકારના ઊર્જા વિભાગના તારીખ 04/07/2026 ના ઠરાવના મુદ્દા નંબર 7 નો હવાલો આપતાં ખેડૂત આગેવાનોએ જણાવ્યું કે, ઠરાવ મુજબ જમીન માલિકને વળતર એકસાથે અને ખેડૂતની પૂર્વ સંમતિ બાદ જ કામ શરૂ કરવાની જોગવાઈ છે. ખેડૂતોની અનિચ્છા હોવા છતાં બળજબરીથી MRC માં બેસાડવા દબાણ કરવું એ કાયદાનું ઉલ્લંઘન છે. વધુમાં, ટ્રાન્સમિશન સર્વિસ પ્રોવાઇડર (TSP) કંપનીના હિતમાં તંત્ર ઉતાવળા પગલાં ભરી રહ્યું હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.રજૂઆતમાં વધુમાં હાઇકોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કરતાં જણાવાયું છે કે, નામદાર ગુજરાત હાઇકોર્ટમાં તારીખ 14/07/2026 ના કેતન નટવરલાલ બ્રહ્મભટ્ટ વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા કેસમાં રાજ્ય સરકારે પોતે સ્વીકાર્યું છે કે ખેતીની જમીનનું મૂલ્યાંકન માન્ય યુનિવર્સિટીમાંથી એગ્રીકલ્ચર સાયન્સની ડિગ્રી અને 5 વર્ષનો અનુભવ ધરાવનાર રજિસ્ટર્ડ વેલ્યુઅર જ કરી શકે. આમ છતાં MRC માટે IBBI રજિસ્ટર્ડ અચલ મિલકતના વેલ્યુઅરની યાદી આપવામાં આવી છે, જે વેલ્થ ટેક્સ એક્ટ 1957 ની કલમ 8A(2) અને 8A(3) નો સીધો ભંગ છે.કિસાન સંઘર્ષ સમિતિની મુખ્ય માંગણીઓમાં જણાવ્યું છે કે અચલ મિલકતના બદલે ખેતીની જમીનનું મૂલ્યાંકન કરનાર કાયદેસર વેલ્યુઅરની યાદી આપવામાં આવે. વેલ્થ ટેક્સ એક્ટ 1957 ના પ્રકાર મુજબના યોગ્ય વેલ્યુઅર જાહેર કરવામાં આવે. નિયમ મુજબની યાદી વગર અપાયેલી તારીખ 21/09/2026 ની નોટિસ તાત્કાલિક રદ કરવામાં આવે. ઠરાવના મુદ્દા નંબર 7 મુજબ લેખિત સંમતિ વગર કોઈપણ મીટિંગ કે આકારણીની પ્રક્રિયા ન કરવામાં આવે. ભવિષ્યમાં ખેડૂતોને આવી દબાણપૂર્વકની નોટિસો આપવાનું બંધ કરવામાં આવે.ખેડૂત નેતા મહેશ રાજકોટીયાએ ચીમકી ઉચ્ચારી છે કે જો આ કાયદાકીય પ્રશ્નોનો લેખિત ખુલાસો આપી યોગ્ય નિર્ણય નહીં લેવાય, તો ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજ્યના ખેડૂતોને સાથે રાખીને 2222 કારના કાફલા સાથે ગાંધીનગર સુધી આરપારની લડાઈ લડવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી શાસન અને પ્રશાસનની રહેશે.#Morbi #MorbiUpdate #FarmersProtest #MaheshRajkotiya #KisanAndolan #TransmissionLine #GujaratFarmers #MorbiNews