10મી વાર્ષિક સાધારણ સભામાં પશુપાલકોના હિતમાં લેવાયો મહત્વનો નિર્ણય : મયુર ડેરીનું વાર્ષિક ટર્નઓવર 275.02 કરોડ નોંધાયું મોરબી અપડેટ : મોરબી જિલ્લાની મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘની વાર્ષિક સાધારણ સભામાં પશુપાલકો માટે દૂધના ખરીદ ભાવમાં ઐતિહાસિક વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ સભામાં દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે 30 રૂપિયાનો જંગી વધારો જાહેર કરાતા ઉપસ્થિત પશુપાલકોમાં ખુશીની લહેર જોવા મળી હતી. જિલ્લાની 200 કરતાં વધુ દૂધ મંડળીઓની હાજરીમાં વાર્ષિક અહેવાલ અને પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત પશુ સ્વાસ્થ્ય, નફાની ફાળવણી અને પશુપાલકોના આકસ્મિક મૃત્યુ સહાય જેવી વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી.પ્રાપ્ત વિગતો અનુસાર, તારીખ 28-09-2026 ના રોજ નવી વાવડી ખાતે આવેલ પટેલ સમાજ વાડીમાં મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. (મયુર ડેરી) ની વર્ષ 2025-26 ની 10મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. આ સભામાં મેનેજિંગ ડિરેક્ટર સુમિત કુમારા દ્વારા સૌનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સભામાં દૂધ સંઘના ચેરમેન સંગીતાબેન કગથરા દ્વારા વર્ષ 2025-26 દરમિયાન થયેલ કામગીરી અને પ્રગતિનો વિગતવાર અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો.આ અહેવાલમાં જણાવાયું હતું કે, વર્ષ દરમિયાન 307 દૂધ મંડળીઓ મારફત સરેરાશ 1.35 લાખ કિલો દૂધનું સંપાદન થયેલ છે. દૂધ સંઘનું વાર્ષિક ટર્નઓવર 275.02 કરોડ થયેલ છે અને વર્ષ આખરે સંઘે 97.23 લાખનો ચોખ્ખો નફો કરેલ છે. વર્ષ દરમિયાન સરેરાશ પ્રતિ કિલો ફેટે 863 રૂપિયા મુજબ ભાવ ચૂકવવામાં આવેલ છે. આ સિવાય પશુપાલકોને દૂધ મંડળીઓ મારફત 1912 મેટ્રિક ટન અમૂલ દાણ પૂરું પાડવામાં આવેલ છે.સભાના અંતમાં ચેરમેન સંગીતાબેન કગથરા દ્વારા દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે 30 રૂપિયાનો ઐતિહાસિક વધારો કરી રૂ.900 ચૂકવવાની જાહેરાત કરવામાં આવી હતી, જેને હાજર સભાસદોએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધી હતી. આ ઉપરાંત સંઘ દ્વારા ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે પશુ સ્વાસ્થ્ય અને ઓલાદ સુધારણા, સહકાર વિકાસ કાર્યક્રમ, અને દૂધ ઉત્પાદક સભાસદના મરણ પ્રસંગે 80 હજાર તેમજ અકસ્માતે વીમાના 5 લાખ ચૂકવવામાં આવે છે તેની પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.#MorbiUpdate #MorbiNews #MayurDairy #MilkPriceHike #Farmers #DairyUpdate #GujaratNews