મોબાઈલ, લેપટોપ અને રોજમેળ સહિતના ડિજિટલ તથા ભૌતિક દસ્તાવેજોની સઘન ચકાસણીમોરબી અપડેટ: નવરાત્રી અને દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે મોરબીમાં કરચોરો પર તવાઈ બોલાવવા GST વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. આજે વહેલી સવારથી જ મોરબીમાં હાર્ડવેરના વ્યવસાય સાથે સંકળાયેલા 4 જેટલા મોટા વેપારીઓને ત્યાં GST વિભાગની ટીમો એકસાથે ત્રાટકી છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જીએસટીની આ મેગા ડ્રાઈવને પગલે મોરબીના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.મળતી માહિતી મુજબ, મોરબીમાં હાર્ડવેરના ધંધાર્થીઓ પર આજે વહેલી સવારથી જ GST વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં હિમાલય હાર્ડવેર, એક્યુરેટ હાર્ડવેર, કલકતા હાર્ડવેર અને સરદાર હાર્ડવેર એમ કુલ 4 હાર્ડવેર પેઢીઓ પર જીએસટીના અધિકારીઓ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જીએસટી વિભાગની ટીમો દ્વારા આ ચારેય સ્થળોએ વેપારીઓના ખરીદ-વેચાણના તમામ દસ્તાવેજો, રોજમેળ અને આર્થિક વ્યવહારોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. ભૌતિક દસ્તાવેજોની સાથે સાથે વેપારીઓના ડિજિટલ પુરાવાઓ જેવા કે મોબાઈલ અને લેપટોપની પણ ઉલટતપાસ કરવામાં આવી રહી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જેતપર ખાતે ચાલતા આંદોલનમાં હાર્ડવેર એસોસિએશનના વેપારીઓ દ્વારા પણ ટેકો જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે આ દરોડા આંદોલનના ટેકાના પગલે પડ્યા છે કે પછી રૂટીન તપાસનો ભાગ છે તે અંગે પણ અનેક તર્કવિતર્કો સર્જાયા છે. જોકે નવરાત્રી અને દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે વિભાગ દ્વારા કરચોરી પકડી પાડવા આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું મનાઈ રહ્યું છે. હાલમાં આ તપાસનો દોર ચાલી રહ્યો છે તપાસમાં શુ સામે આવે છે તે આગામી દિવસોમાં જાહેર થશે.#Morbi #MorbiUpdate #GSTRaid #MorbiNews #HardwareMarket #GST #GujaratNews #TaxEvasion #MorbiCity