નવરાત્રી નજીક હોવાથી ગરબી માટે ચોક ખુલ્લો કરવા ગ્રામજનોની ડીડીઓને રજૂઆત, જ્યારે સામા પક્ષનો જગ્યા પોતાની હોવાનો દાવો, મામલો કોર્ટમાંમોરબી અપડેટ : માળિયા મિયાણા તાલુકાના વિરવિદરકા ગામમાં આવેલ 200 વર્ષ જૂના રામજી મંદિરના ચોકમાં થયેલા કથિત દબાણ મામલે વિવાદ ઊભો થયો છે. આ બાબતે ગામના સરપંચ તથા આગેવાનો અને સામા પક્ષ દ્વારા સામસામી રજૂઆતો અને દાવાઓ કરવામાં આવ્યા છે.સરપંચના પતિ બટુકદાન ગઢવીએ જણાવ્યું હતું કે: 'ગામના રામજી મંદિરના ચોકમાં દીવાલ કરીને દબાણ કરવામાં આવ્યું છે. અમે પંચાયત બોડીએ ઠરાવ કરી ગ્રાન્ટ મંજૂર કરી ત્યાં RCC દીવાલ, પાણીની લાઈન, ગટર લાઈન અને PGVCL ના થાંભલા નાખેલા છે. 6 મહિનાથી દબાણ થયું છે અને પંચાયત દ્વારા 3 નોટિસ આપવા છતાં તેઓએ કોઈ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા નથી, માત્ર વેરા પહોંચ રજૂ કરી છે. આજે ગામના 50 જેટલા લોકો ડીડીઓ પાસે રજૂઆત કરવા આવ્યા છીએ. કોર્ટે 13 તારીખ આપી છે પણ તેમાં કોઈ સ્ટે આપ્યો નથી. 10 તારીખથી નવરાત્રી ચાલુ થાય છે અને વર્ષોથી ત્યાં ગરબી થાય છે, તેથી અમે આ ચોક ખુલ્લો કરવા માંગીએ છીએ. ડિમોલિશન માટે પોલીસ બંદોબસ્ત મળી ગયો હતો, પરંતુ વિકાસ કમિશનરે લેખિતમાં ડિમોલિશન ન કરવા જણાવ્યું છે, જેથી અમે ડીડીઓને રજૂઆત કરવા આવ્યા છીએ.'બીજી તરફ પોતાની જગ્યા હોવાનો દાવો કરતા કુલદીપદાન ભરતદાન ગઢવીએ જણાવ્યું હતું કે: 'આ અમારી કાયદેસરની જગ્યા છે અને જાહેર રસ્તા પછી અમારી જગ્યા ચાલુ થાય છે. અમારી આસપાસ અમારા ભાઈઓના જ મકાન છે. આ જગ્યા અમારા વડવાઓને 1550 માં જામ રાવલ તરફથી મળેલી છે. ગ્રામ પંચાયતને જગ્યા જોઈતી હોય તો સંપાદન કરીને લઈ શકે છે, પણ આવી રીતે પડાવી ન શકે. અમે કોર્ટમાં મેટર મૂકી દીધી છે અને 13 તારીખે હિયરિંગ છે, પણ તે પહેલા આ લોકો જગ્યા પડાવી લેવા માંગે છે. અમારી ત્યાં જૂની દીવાલો અને મકાનો હતા જ. પંચાયત પાસે આ જગ્યા તેમની હોવાનો કોઈ રેકોર્ડ કે પુરાવો નથી. કોર્ટની જે કાર્યવાહી ચાલશે અને કોર્ટ જે કહેશે તે અમે માન્ય રાખીશું.'#MorbiUpdate #Maliya #Virvidarka #GramPanchayat #LandDispute #MorbiNews #GujaratNews