‘સંકલ્પ દિવસ’ ની ઉજવણી: શહીદ ભગતસિંહના ત્યાગમાંથી પ્રેરણા લઈ 20 લોકોએ દેહદાન અને 500 થી વધુ નાગરિકોએ મૃત્યુ બાદ અંગદાન કરી માનવસેવા સાથે જોડાવાનો નિર્ધાર કર્યોમોરબી અપડેટ: શહીદ-એ-આઝમ સરદાર ભગતસિંહની જન્મજયંતિને માત્ર સ્મરણ અને પુષ્પાંજલિ પૂરતી સીમિત ન રાખી મોરબીના ક્રાંતિકારી યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા ‘સંકલ્પ દિવસ’ તરીકે ઉજવવામાં આવી હતી. આ અંતર્ગત દેહદાન અને અંગદાન અંગે જાગૃતિ ફેલાવી 500 થી વધુ નાગરિકોએ મૃત્યુ બાદ પણ માનવકલ્યાણ માટે ઉપયોગી બનવાનો ઐતિહાસિક સંકલ્પ લીધો હતો.ભગતસિંહના ત્યાગ, રાષ્ટ્રપ્રેમ અને દેશ માટેના સર્વોચ્ચ બલિદાનમાંથી પ્રેરણા લઈને આ વિશેષ પહેલ હાથ ધરવામાં આવી હતી. કાર્યક્રમમાં નાગરિકોને દેહદાન અને અંગદાનનું માનવીય તેમજ સામાજિક મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું. મૃત્યુ બાદ પણ પોતાનું શરીર તબીબી શિક્ષણ માટે તથા અંગો જરૂરિયાતમંદોના જીવન બચાવવા કઈ રીતે ઉપયોગી બની શકે તે અંગે વિસ્તૃત જાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત 20 લોકોએ દેહદાન તેમજ 500 થી વધુ નાગરિકોએ અંગદાનનો સંકલ્પ લઈ માનવસેવાના પ્રયાસમાં પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.યંગ ઇન્ડિયા ગ્રૂપના સ્થાપક અને માર્ગદર્શક દેવેન રબારીએ ‘ફૂલોથી નહીં, લોકકલ્યાણના સંકલ્પથી શ્રદ્ધાંજલિ’ નો સંદેશ આપતા જણાવ્યું હતું કે, શહીદ ભગતસિંહનું સમગ્ર જીવન આપણને શીખવે છે કે દેશસેવા માત્ર શબ્દો કે સૂત્રોમાં નહીં, પરંતુ પોતાના જીવનને સમાજ અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનાવવામાં છે. અંગદાન જીવનને જીવન સાથે જોડતી માનવતાની મહાન સેવા છે. ભગતસિંહની જન્મજયંતિએ માત્ર ‘ઇન્કલાબ ઝિંદાબાદ’ ના નારા સુધી સીમિત ન રહીએ, પરંતુ માનવતા અને દેશસેવાનો સંકલ્પ લઈએ એ જ શહીદ ભગતસિંહના ત્યાગમય જીવનને આપેલી સાચી અને જીવંત શ્રદ્ધાંજલિ બની રહેશે.યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા આગામી દિવસોમાં પણ દેહદાન અને અંગદાન અંગે સમાજમાં જાગૃતિ વધારવા, આ અંગેની ગેરસમજો દૂર કરવા અને વધુમાં વધુ નાગરિકોને માનવસેવાના આ અભિયાન સાથે જોડવા પ્રયાસો ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે.#Morbi #MorbiUpdate #MorbiNews #YoungIndiaGroup #ShaheedBhagatSingh #OrganDonation #BodyDonation #SankalpDivas #SocialService