વજેપર ઝાપા પાસે બનેલા બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસનો ધમધમાટમોરબી : મોરબી શહેરના સામાજિક કાર્યકરના ભાઈ અને મંડપ સર્વિસના ધંધાર્થી યુવકનું મોટર સાયકલ ન આપવા જેવી સામાન્ય બાબતમાં અપહરણ કરી મોબાઈલ રોકડની લૂંટ કરી બાદમાં સામાજિક કાર્યકર અને તેના ભાઈ પર છરી વડે હુમલો કરવા મામલે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ત્રણ આરોપીઓ વિરિદ્ધ બીએનએસ કાયદાની ગંભીર કલમો મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરના વજેપર વિસ્તારમાં રહેતા અને મંડપ સર્વિસનો ધંધો કરતા સંજયભાઇ ગંગારામભાઈ બાંભણીયા ઉ.32 નામના યુવકે એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી ઇરફાન કરીમ રહે.કાલિકા પ્લોટ, મોરબી, અબ્દુલ્લા ઉર્ફે અબુડી ઉર્ફે બાડો રહે.કાલિકા પ્લોટ, મોરબી અને આરોપી યુસુફ મોહમદ રતનીયા રહે.કાલિકા પ્લોટ, મોરબી વાળાઓ વિરુદ્ધ ફરીયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, બે દિવસ પૂર્વે આરોપી ઇરફાન કરીમે ફરિયાદીનું બાઈક માંગતા સંજયભાઈએ બાઈક આપવાનો ઇન્કાર કર્યો હતો.જે બાબતનો ખાર રાખી ગઈકાલે બપોરના સમયે ત્રણેય આરોપીઓએ સંજયભાઈનું અપહરણ કરી બાઇકમાં લઈ ગયા હતા અને બળજબરીથી રૂ.8000 ટ્રાન્સફર કરાવી લઈ મોબાઇલ ફોન પણ પડાવી લીધો હતો.જે બાદ ફરિયાદી સંજયભાઈના ભાઈ અને સામાજિક કાર્યકર જગદીશભાઈને આ બાબતની જાણ થતાં તેઓ ભાઈને છોડાવવા માટે જતા આરોપીઓએ એકસંપ કરી જગદીશભાઈને પકડી રાખી છરીના ઘા ઝીકી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.બનાવ અંગે એ ડિવિઝન પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.