'વિકસિત ભારત-2047' થીમ પર યોજાયેલી વક્તૃત્વ અને ચિત્ર સ્પર્ધામાં શાળાની 4 વિદ્યાર્થીનીઓએ મેદાન માર્યુંમાળીયા (મિયાણા): માળીયા તાલુકા પંચાયત ખાતે આજે 26 સપ્ટેમ્બરના રોજ ‘સેવા સંકલ્પ અભિયાન-2026’ અંતર્ગત ‘વિકસિત ભારત-2047’ થીમ આધારિત તાલુકા કક્ષાની ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ખાખરેચી ગામની સાર્વજનિક હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કરી પોતાની શાળા તેમજ ગામનું નામ રોશન કર્યું છે.તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી અને BRC ભવન, માળીયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ સ્પર્ધામાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ ‘વિકસિત ભારત-2047’ ના વિચારને પોતાની કલ્પનાશક્તિ, ચિત્રકળા અને વક્તૃત્વ દ્વારા સુંદર રીતે રજૂ કર્યો હતો. જેમાં સાર્વજનિક હાઈસ્કૂલ, ખાખરેચીના વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભાનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું.સ્પર્ધાના પરિણામો જોઈએ તો, ઉચ્ચતર માધ્યમિક વિભાગની વક્તૃત્વ સ્પર્ધામાં કૈલા વિભૂતિ સુરેશભાઈએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો, જ્યારે ચિત્ર સ્પર્ધામાં પારઘી સાધના રમેશભાઈએ પ્રથમ ક્રમ મેળવ્યો હતો. આ ઉપરાંત, માધ્યમિક વિભાગની વક્તૃત્વ સ્પર્ધામાં પારજીયા શિવાની શૈલેષભાઈએ દ્વિતીય ક્રમ અને ચિત્ર સ્પર્ધામાં ઉચાસણા પાવન નરોત્તમભાઈએ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરી શાળાની સફળતામાં વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિનો ઉમેરો કર્યો હતો.સ્પર્ધાના અંતે વિજેતા તેમજ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને માળીયા તાલુકા પંચાયતના પ્રમુખ, હોદ્દેદારો, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી (TPEO), BRC કોઓર્ડિનેટર સહિતના ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર તથા પ્રોત્સાહક ઇનામ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓની આ ઉત્કૃષ્ટ સિદ્ધિને પગલે શાળા પરિવાર અને ખાખરેચી ગામમાં આનંદની લાગણી પ્રસરી છે. શાળાના આચાર્ય અને સમગ્ર સ્ટાફગણે તમામ વિજેતા વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવી આગામી જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી.#Morbi #MorbiUpdate #MorbiNews #Maliya #Khakhrechi #ViksitBharat2047 #SevaSankalpAbhiyan #Education #ElocutionCompetition #DrawingCompetition