છેલ્લા ત્રણ મહિનાથી એજન્સી દ્વારા કમ્પ્યુટર ઓપરેટરોને પગાર ચૂકવવામાં ન આવ્યો હોવાની રાવમોરબી અપડેટ (ટંકારા) : ટંકારા મામલતદાર કચેરી ખાતે છેલ્લા ત્રણ મહિનાથી એજન્સી દ્વારા કમ્પ્યુટર ઓપરેટરોને પગાર ચૂકવવામાં ન આવતા, ચાલુ માસની ૧ તારીખથી ઓપરેટરે કામગીરી બંધ કરવાનો નિર્ણય લીધો છે. જેના કારણે કચેરી ખાતે ૭-૧૨, ૮-અ અને ઉતરોત્તર નોંધ કાઢવાની કામગીરી સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે. ઓનલાઈન સેવાઓ બંધ થઈ જતાં જગતના તાત ગણાતા ખેડૂતોને ભારે હેરાનગતી ભોગવવાનો વારો આવ્યો છે. ઓનલાઈન સેવાઓ અટકી પડતાં સમગ્ર મામલો ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા સુધી પહોંચ્યો હતો. ધારાસભ્યએ ટંકારાના મામલતદાર પી. એન. ગોરને તાત્કાલિક ઘટતું કરવા કડક સૂચના આપી હતી. ત્યારબાદ મામલતદારે એજન્સીના સંચાલકનો વારંવાર સંપર્ક કરવા પ્રયાસ કર્યો હોવા છતાં, એજન્સી દ્વારા ફોન ઉપાડવાની પણ તસ્દી પણ લેવાઈ ન હતી. એજન્સીના આ વલણને પગલે તેને બ્લેકલિસ્ટ કરવા માટે મામલતદાર દ્વારા મોરબી વડી કચેરીને લેખિતમાં જાણ કરવામાં આવી હતી, જોકે વડી કચેરી દ્વારા એજન્સીને બચાવવા થાબડભાણા કર્યા હોય હજુ સુધી પત્રવ્યવહારથી સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી.નામ ન આપવાની શરતે એક કમ્પ્યુટર ઓપરેટરે ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું હતું કે, એજન્સી સરકાર ચોપડે જેટલો પગાર દર્શાવે છે તેના કરતાં અડધો જ પગાર ઓપરેટરોને ચૂકવે છે. એટલું જ નહીં, છેલ્લા ત્રણ મહિનાથી આ અડધો પગાર પણ આપવામાં આવ્યો નથી. જો કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા આ સમગ્ર બાબતે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવે તો મિલિભગત ખુલે તેવી પણ શક્યતા છે.આ અંગે મોરબી જિલ્લાના જવાબદાર અધિકારી ચેતનાબેન પરમારનો ટેલિફોનિક સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, એજન્સીને રૂબરૂ બોલાવીને તુરંત ઓપરેટર ફાળવી કામગીરી શરૂ કરવા આદેશ અપાયો હતો. જોકે, હાલમાં ચાલી રહેલા 'સેવા સેતુ' અને પ્રધાનમંત્રીના 'સેવા સંકલ્પ મહોત્સવ' જેવા મહત્વના કાર્યક્રમો વચ્ચે પણ એજન્સીએ ઓપરેટર ન મોકલતા ઉચ્ચ અધિકારીઓની સૂચનાનું પણ 'સુરસુરીયું' થઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે ટંકારા કચેરીની બ્લેકલિસ્ટ કરવાની ભલામણ સામે વડી કચેરી એજન્સીને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. તાજેતરમાં ટંકારા ખાતે 'તાલુકા સ્વાગત કાર્યક્રમ' અંતર્ગત મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે ઉપસ્થિત રહ્યા ત્યારે, કલેક્ટરને પરિસ્થિતિની ખબર ન પડે તે માટે મામલતદારે ઓપરેટરને તેની પોતાની જવાબદારીએ રાતોરાત બેસાડીને ૭-૧૨ ના ઉતારા કઢાવ્યા હોવાનું પણ બહાર આવ્યું છે. બીજી તરફ, મગફળીના ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે ૭-૧૨ ના ઉતારા મેળવવા ખેડૂતોને રૂ. ૫ ના પેજ દીઠ રૂ. ૧૦ નો ડબ્બો ચૂકવવો પડ્યો હતો, જેના કારણે માત્ર ટંકારા તાલુકામાં જ ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું છે. જો કલેકટર સમક્ષ હકિકત છૂપાવી ન હોત તો આજે આ સમસ્યા સુલજી ગઈ હોત અધિકારીઓની ઉદાીસનતા અને એજન્સીની મનમાની વચ્ચે આજે પણ ટંકારા કચેરી ખાતે સાત બારની ઓનલાઈન કામગીરી ઠપ્પ છે.