સ્ટ્રીટ લાઈટના કામ માટે ખોદાયેલા ખાડાઓ અણધણ રીતે બુરી દેવાયા : અકસ્માત અને શોર્ટ સર્કિટનો ભય, તાત્કાલિક કામગીરીની ઉઠી માંગમોરબી અપડેટ : મોરબી શહેરમાં તંત્ર દ્વારા વિકાસના કામોમાં કેવી બેદરકારી દાખવવામાં આવે છે તેનો એક ઉત્તમ નમૂનો તાજેતરમાં સામે આવ્યો છે. શહેરના એક અત્યંત વ્યસ્ત અને મુખ્ય માર્ગ નવલખી રોડ પર ગત વર્ષે જ નવો રોડ બનાવવામાં આવ્યો હતો, પરંતુ હવે ત્યાં સ્ટ્રીટ લાઈટ નાખવાની કામગીરીને લઈને રસ્તાની વચોવચ ખાડાઓ કરી દેવામાં આવ્યા છે. આ ખાડાઓ કર્યા બાદ તેનું યોગ્ય રીતે પુરાણ ન કરવામાં આવતા કેબલનો પાઇપ બહાર દેખાવા લાગ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબીમાં સેન્ટ મેરી ફાટકથી લઈને પરશુરામ બ્રિજ સુધીનો માર્ગ નવલખી રોડ તરીકે ઓળખાય છે, જે ગત વર્ષે જ બનાવવામાં આવ્યો હતો. તાજેતરમાં મહાનગરપાલિકા દ્વારા આ માર્ગ પર સ્ટ્રીટ લાઈટો નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. લાઈટના કનેક્શન ક્રોસ કરવા માટે રોડ પર ખાડા ખોદવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ તેનું યોગ્ય પુરાણ કરવામાં આવ્યું નથી. પરિણામે આ રોડ પર અંદાજિત 4 થી 5 જગ્યાએ આવા જોખમી ખાડા પડી ગયા છે. આ ખાડાઓની સ્થિતિ એટલી ખરાબ છે કે તેમાંથી પસાર થતા વાહનોના ટાયર અંદર ગરકાવ થઈ જાય છે, જેના લીધે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વધુમાં, જો આ ખાડાઓ સમયસર પૂરવામાં નહિ આવે તો વચ્ચે નાખવામાં આવેલી લાઈનની કેબલ તૂટી જવાની અને શોર્ટ સર્કિટ થવાની પણ પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને, વાહનચાલકો દ્વારા મહાનગરપાલિકા પાસે તાત્કાલિક ધોરણે આ ખાડાઓ બુરીને રસ્તાનો કાયમી નિકાલ કરવાની માંગ કરવામાં આવી રહી છે.