મુદા નં.4માં ખેડૂતો ગેરહાજર રહે તો તંત્ર જાતે જમીનની કિંમત નક્કી કરી લેશે તેવી શરત સામે રોષ; કલેક્ટરે 14 દિવસનો સમય આપવાની તૈયારી બતાવીમોરબી અપડેટ : મોરબી જિલ્લાના વિવિધ ગામોમાં રેવન્યુ તલાટી મારફતે પાઠવવામાં આવેલી MRC (માર્કેટ રેટ કમિટી) ની નોટિસને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ગત 23 તારીખના રોજ ખેડૂતોને પાઠવાયેલી નોટિસના મુદ્દા નંબર 4 સામે ખેડૂતોએ સખત વાંધો ઉઠાવ્યો હતો. આ નોટિસમાં જણાવાયું હતું કે જો ખેડૂતો 25 તારીખે કલેક્ટર કચેરી ખાતે યોજાનાર MRC માં હાજર નહીં રહે, તો વહીવટી તંત્ર પોતે વેલ્યુઅર નીમીને જમીનની કિંમત નક્કી કરી નાખશે. ખેડૂતોએ આ બાબતને સંપૂર્ણ કાયદા વિરુદ્ધ અને એક પ્રકારે ગર્ભિત ધમકી સમાન ગણાવી કલેક્ટર સમક્ષ લેખિતમાં વાંધા રજૂ કર્યા હતા.ખેડૂત આગેવાનોની રજૂઆત: 'કયા કાયદા હેઠળ આવી નોટિસ અપાઈ તેનો ખુલાસો કરો'કલેક્ટર કચેરીએ પહોંચેલા ખેડૂત આગેવાનોએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, ભૂતકાળમાં કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા 4-7 નો પરિપત્ર જાહેર કરી ખાતરી આપવામાં આવી હતી કે ખેડૂતોને પ્રતિનિધિત્વ મળશે અને ખેડૂત પોતે પોતાની જમીનનું મૂલ્ય નક્કી કરવામાં સામેલ રહેશે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા ખેડૂતોની ગેરહાજરીમાં જમીનનું મૂલ્યાંકન કરી લેવાની વાત કયા કાયદા અંતર્ગત કરવામાં આવી રહી છે તેનો લેખિત ખુલાસો કરવામાં આવે. આ સાથે જ ખેડૂતોએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન ચાલુ રાખશે અને આગામી સમયમાં સમાજની માતૃ સંસ્થાઓ પાસેથી પણ સહયોગ મેળવી ન્યાય માટે લડત લડશે.વહીવટી તંત્રની સ્પષ્ટતા: જરૂર પડ્યે 14 દિવસનો સમય અપાશેખેડૂતો દ્વારા પહેલા પ્રાંત અધિકારી અને ત્યારબાદ કલેક્ટરને મળીને લેખિત વાંધા અરજી સુપરત કરવામાં આવી હતી. કલેક્ટર દ્વારા ખેડૂતોની રજૂઆત સાંભળી સમગ્ર મામલે લેખિત જવાબ આપવાની ખાતરી આપવામાં આવી છે. આ સાથે જ તંત્ર તરફથી જણાવાયું હતું કે નોટિસનો ઉદ્દેશ ખેડૂતોને એક મંચ પર બોલાવી સાંભળવાનો હતો. જો ખેડૂતોને સમય ઓછો પડ્યો હોય તો 14 દિવસનો વધારાનો સમયગાળો પણ આપવામાં આવશે અને ફરીથી તક અપાશે. કલેક્ટર તરફથી ખાતરી મળ્યા બાદ તમામ ખેડૂતો વાંધા સૂચનો જમા કરાવ્યા બાદ કલેક્ટર કચેરીથી શાંતિપૂર્ણ રીતે રવાના થયા છે.#Morbi #MorbiUpdate #MorbiNews #FarmersProtest #CollectorMorbi #MRCNotice #GujaratNews #KhedutAdhikar