મેયર ઉત્તમ સુરાણી અને કમિશનર સંગીતા રૈયાણીના માર્ગદર્શનમાં ફૂડ સ્ટોલ ધારકોને ડસ્ટબીન રાખવા અને સ્વચ્છતા જાળવવા માર્ગદર્શન અપાયું મોરબી અપડેટ : રાજ્ય સરકારના 'સ્વચ્છતા હી સેવા' સંકલ્પને સાકાર કરવા મોરબી મહાનગરપાલિકા દ્વારા વિશેષ સફાઈ ઝુંબેશ અને જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત મોરબીના મેયર ઉત્તમભાઈ સુરાણી, મ્યુનિસિપલ કમિશનર સંગીતા રૈયાણી, કોર્પોરેટરો, સ્ટેન્ડિંગ ચેરમેન, પદાધિકારીઓ અને કાર્યકરોની ઉપસ્થિતિમાં ઉમિયા સર્કલથી સનાળા રોડ સુધીના વિસ્તારમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાના હેતુથી એક મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું.આ મેગા ડ્રાઈવ દરમિયાન મેયર ઉત્તમભાઈ સુરાણીએ જણાવ્યું હતું કે, આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય મોરબીવાસીઓમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ કેળવવાનો છે. આ ઝુંબેશ અંતર્ગત ફૂડ વિક્રેતાઓને ત્યાં સઘન તપાસ કરવામાં આવી હતી અને તેઓને ભીનો, સૂકો, પ્લાસ્ટિક અને કાચનો કચરો અલગ-અલગ રાખવા માટે 4 પ્રકારની ડસ્ટબીન રાખવા સૂચના આપવામાં આવી હતી. મોરબી શહેરની સુંદરતા વધારવા અને સ્વચ્છતા જાળવવા માટે આ એક મહત્વનો પ્રયાસ છે.મ્યુનિસિપલ કમિશનર સંગીતા રૈયાણીએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી ચાલનારા આ એક માસના સ્વચ્છતા અભિયાન અંતર્ગત રોજ અલગ-અલગ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અભિયાનમાં સફાઈ મિત્રોને પ્રોત્સાહિત કરવા, વિદ્યાર્થીઓ માટે વક્તૃત્વ, નિબંધ અને રંગોળી સ્પર્ધાઓ યોજવા, તેમજ રેલીઓ દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાવવાના કાર્યક્રમો પણ સામેલ છે.આ ઉપરાંત, સ્વચ્છતા માર્શલની સેવાઓ પણ લેવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કમિશનરે તમામ મિલકત ધારકો અને ખાણીપીણીની દુકાનોના માલિકોને આ અભિયાનમાં જોડાઈ, એક લાખ જેટલા સંકલ્પપત્રોમાં સહી કરી સ્વચ્છતા જાળવવાનો સંકલ્પ લેવા અને તેને જીઓ ટેગિંગ સાથે સરકારમાં રજૂ કરવાની અપીલ કરી હતી. આ ઝુંબેશ દરમિયાન અધિકારીઓએ ફૂડ સ્ટોલ ધારકોને રૂબરૂ મળીને કચરાના યોગ્ય નિકાલ અંગે સમજણ પણ આપી હતી#Morbi #MorbiUpdate #MorbiNews #SwachhataHiSeva #MorbiMunicipalCorporation #CleanMorbi #SwachhBharatAbhiyan