મુદા નંબર 4માં તંત્ર જ જાતે જ કમિટી નિમિ દેશે તેવા ઉલ્લેખ સામે ભારે રોષ : જો લેખિત જવાબ નહીં મળે તો સાંજ સુધી કચેરીમાં જ ધામા નાખવાની ખેડૂતોની ચીમકી મોરબી અપડેટ : MRC કમિટીની બેઠક માટે હજારો ખેડૂતોને કલેકટર તંત્રએ તેંડુ મોકલ્યું હતું. જેને પગલે ગામે-ગામથી હજારો ખેડૂતો કલેકટર કચેરીએ આજે સવારથી ઉમટી પડી પડાવ નાખ્યો છે. તંત્રએ ખેડૂતોને બોલાવવા માટે બે દિવસ અગાઉ જે નોટિસ બજાવી હતી તેમાં મુદા નં.4માં એવો ઉલ્લેખ હતો કે જો ખેડૂત હાજર નહિ રહે તો તંત્ર કમિટી નિમિને આગળની કાર્યવાહી કરશે. આ મામલે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મુદા અંગે ખેડુતોએ ડેપ્યુટી કલેકટર સમક્ષ લેખિત સ્પષ્ટતા માંગી છે. ખેડૂતો મોટી સંખ્યામાં કલેકટર કચેરીએ હાજર છે. પરંતુ કોઈ ખેડૂત MRC કમિટીમાં બેસી વેલ્યુઅર પસંદ કરવા સહમત નથી. ખેડૂતો જણાવી રહ્યા છે કે તેઓને પરિપત્ર જ મંજુર નથી એટલે તેઓ MRC કમિટીમાં બેસશે નહિ. મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના વાંધા સૂચનો કલેકટર તંત્રને આપી રહ્યા છે તેમાં પણ તેઓ પરિપત્ર મંજુર ન હોવાનું જણાવી રહ્યા છે. તેવામાં બપોરના સમયે ખેડૂત આગેવાનો કલેકટરને મળવા પહોંચ્યા હતા. જો કે કલેકટરને બદલે ડેપ્યુટી કલેકટર તેમને મળ્યા હતા. ડેપ્યુટી કલેકટર સમક્ષ ખેડૂતોએ નોટિસમાં દર્શાવેલા મુદ્દા નંબર 4 અંગે સવાલો ઉઠાવ્યા છે અને ડેપ્યુટી કલેક્ટર સમક્ષ સ્પષ્ટતા માંગી છે. નોટિસના મુદ્દા નંબર 4 માં જણાવાયું છે કે જો ખેડૂતો અથવા તેમના પ્રતિનિધિઓ હાજર નહીં રહે, તો તેઓ MRC કમિટી બનાવવા નથી માંગતા તેમ માની લેવામાં આવશે અને કમિટીની રચના કરવામાં આવશે. આ પ્રકારના નિયમથી ખેડૂતોનું હિત જોખમાઈ રહ્યું હોવાની આશંકા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. નોટિસમાં આ મુદ્દો શા માટે ઉમેરવામાં આવ્યો છે તેની સ્પષ્ટતા કરવા માટે ખેડૂતો ડેપ્યુટી કલેક્ટર પાસે ગયા હતા અને લેખિતમાં જવાબ માંગ્યો છે. ખેડૂતોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો તેમને લેખિત જવાબ નહીં મળે તો તેઓ સાંજ સુધી ત્યાં જ બેસી રહેશે. વધુમાં, જો સાંજ સુધીમાં કોઈ નિવેડો નહીં આવે તો સાંજની જમવાની વ્યવસ્થા પણ ત્યાં જ કરવાની ખેડૂતોએ તૈયારી દર્શાવી છે.#MorbiUpdate #MorbiNews #Farmers #MRCCommittee #DeputyCollector #Morbi #FarmersProtest