આકસ્મિક સંજોગોમાં જીવન બચાવવા માટે 128 વિદ્યાર્થીઓ અને શિક્ષકગણને અપાયું માર્ગદર્શનમોરબી અપડેટ : ગુજરાત સરકારની જીવનરક્ષક 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા દ્વારા લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. જેના ભાગરૂપે, આકસ્મિક સંજોગોમાં જીવન બચાવવા માટે જરૂરી પ્રાથમિક સારવાર અંગે વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં જાગૃતિ કેળવાય તે માટે મોરબીના મહેન્દ્રનગર સ્થિત પીપળી પ્રાથમિક શાળા ખાતે 108ની ટીમ દ્વારા એક વિશેષ ડેમોસ્ટ્રેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આજે તારીખ 25-09-2026 ના રોજ સવારે 10-30 થી બપોરે 12 વાગ્યા દરમિયાન આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 108 એમ્બ્યુલન્સના ઈએમટી (EMT) પ્રવીણભાઈ મેર તથા પાયલટ ક્રિષ્નાસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં શાળાના 128 જેટલા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને મેનેજમેન્ટના સભ્યોને ઈમરજન્સી પરિસ્થિતિઓમાં કેવી રીતે ઝડપી અને યોગ્ય પગલાં લેવા તે અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.ડેમોસ્ટ્રેશન દરમિયાન 108 ની ટીમ દ્વારા અચાનક હાર્ટ એટેક આવે કે શ્વાસ બંધ થઈ જાય તેવી ગંભીર પરિસ્થિતિમાં દર્દીનો જીવ બચાવવા માટે અતિ મહત્વપૂર્ણ એવી સીપીઆર (CPR - Cardiopulmonary Resuscitation) પદ્ધતિનું પ્રેક્ટિકલ નિદર્શન કરી સમજાવવામાં આવી હતી. આ ઉપરાંત, કોઈને ફ્રેક્ચર થાય ત્યારે સ્પ્લિન્ટનો ઉપયોગ કેવી રીતે કરવો, પાટા બાંધવાની સાચી રીત, બ્લડ પ્રેશર (BP) માપવાની પદ્ધતિ અંગે પણ વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી. સાથે જ એમ્બ્યુલન્સમાં રહેલા આધુનિક મેડિકલ ઉપકરણોની ઓળખ કરાવવામાં આવી હતી અને ઈમરજન્સી વખતે 108 પર કોલ કેવી રીતે કરવો તે પણ સમજાવવામાં આવ્યું હતું.શાળાના શિક્ષકો તથા મેનેજમેન્ટે 108 ટીમની આ પ્રશંસનીય પહેલને બિરદાવી હતી. જીવનરક્ષક સીપીઆર સહિતની આ તાલીમ ભવિષ્યમાં વિદ્યાર્થીઓ માટે અત્યંત મૂલ્યવાન સાબિત થશે તેમ જણાવી શાળા પરિવારે 108 ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.#Morbi #MorbiNews #108Emergency #CPRTraining #FirstAid #Mahendranagar #MorbiUpdates #AwarenessCamp #GujaratEducation