મહેન્દ્રનગર, ઘુંટુ, પીપળી, શનાળા, રાજપર ત્રાજપર, ટીંબડી, લાલપર, ધરમપુર, રફાળેશ્વર સહિતના ગામોમાં ગેરકાયદે પ્રવૃત્તિ : રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ અને ઔદ્યોગિક પ્રવૃત્તિથી લોકોને મુશ્કેલી, સરકારને નુકશાનમોરબી : મોરબી જિલ્લામાં શહેરની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વર્ષો પૂર્વે રહેણાંક હેતુ માટે બિનખેતીની મંજૂરી લઈ વર્ષો સુધી બાંધકામ નહિ કરનાર આસમીઓ દ્વારા આવી રહેણાંક હેતુની જમીન ભાડે ચડાવી અથવા તો વેચી નાખતા આ જમીન ઉપર હાલમાં બેફામ પણ બિનખેતી શરતોનું ઉલ્લંઘન કરી કોમર્શિયલ કે ઔદ્યોગિક હેતુ માટે ઉપયોગ કરવામાં આવતા અહીં આજુબાજુમાં આવેલી રહેણાંક સોસાયટીઓ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. બીજીતરફ સરકારને પણ આ ગેરકાયદે પ્રવૃત્તિથી લિઝ અને વેરામાં નુકશાન થઈ રહ્યુ હોવા છતાં મામલતદાર કે કલેકટર તંત્ર દ્વારા શરતભંગના પગલાં નહિ લેવામાં આવતા હોવાની ફરિયાદ ઉઠી છે.સિરામિક નગરી મોરબી જિલ્લામાં ઔદ્યોગિક વિકાસે હરણફાળ ભરી હોય મોરબી શહેરની ત્રિજીયામાં આવતા આજુબાજુના દસેક કિલોમીટર વિસ્તારમાં વર્ષો પૂર્વે અનેક ખેતીની જમીનની રહેણાંક હેતુ માટે બિનખેતી કરવામાં આવી છે.જેમાં ખાસ કરીને મહેન્દ્રનગર, ઘુંટુ, પીપળી, ત્રાજપર, શનાળા, રાજપર, લાલપર, રફાળેશ્વર, જોધપર અને ટીંબડી જેવા અનેક ગામો કે જે પહેલા શહેરથી દુર હતા ત્યારે વર્ષો પહેલા નજીવા ભાવે અહીં રોકાણકારોએ જમીન ખરીદી કરી સલામત રોકાણ કર્યું હતું.સમય જતા શહેરની અને ખાસ કરીને સિરામિક ઉદ્યોગની નજીક આવી ગયેલ આવી બિનખેતી થયેલી જગ્યાઓ હાલમાં અત્યંત કિંમતી થઈ ગઈ છે.બીજીતરફ વર્ષો પૂર્વે બિનખેતી થયેલી આ જમીન રહેણાંક હેતુ માટે બિનખેતી થઈ હતી પરંતુ વસવાટ ન હોવાથી મોટાભાગના આવા પ્લોટ ખરીદનાર લોકોએ સિરામિક ઉદ્યોગની નજીક આવેલ આ કિંમતી જમીન સિરામિક ઉદ્યોગને સંલગ્ન ટાઇલ્સ કટિંગ, કટપીસ ટાઇલ્સનું વેચાણ, સિરામિક સેનેટરી આઇટમોનું વેચાણ તેમજ અન્ય કોમર્શિયલ પ્રવૃત્તિ માટે ભાડે આપી દેતા હાલમાં રહેણાંક સોસાયટીઓની નજીક જ કેટલાક સ્થળોએ કોમર્શિયલ અને કેટલાક સ્થળોએ ઔદ્યોગિક પ્રવૃત્તિઓ ચાલુ હોય બિનખેતી શરતભંગ કરવાની સાથે રહેણાંક વિસ્તારમાં પ્રદૂષણ અને ઘોંઘાટનું દુષણ ફેલાયું હોય સોસાયટીના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.બીજીતરફ રહેણાંક હેતુ માટે બિનખેતી થયેલી જમીનના કોમર્શિયલ અને ઔદ્યોગિક વપરાશ થતો હોવા છતાં સ્થાનિક તલાટી, સર્કલ ઓફિસર, મામલતદાર કે કલેકટર કચેરીની બિનખેતી શરતભંગ શાખા પણ આવી પ્રવૃત્તિ ડામવા કે શરતભંગના પગલાં લઈ સરકારને આવક થાય તેવા કોઈ નક્કર પગલાં લેતા ન હોવાથી સરકારની તિજોરીને નુકશાન થઈ રહ્યું છે.મોરબીના પાડોશી અને માતૃજિલ્લા રાજકોટમાં રહેણાંક હેતુની જમીન પર ગેરકાયદેસર કોમર્શિયલ અને ઔદ્યોગિક પ્રવૃત્તિ સામે કડક હાથે પગલાં લેવાઈ રહ્યા છે ત્યારે મોરબી જિલ્લામાં પણ જિલ્લા કલેકટર આવી ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવી ધડાધડ શરતભંગના પગલાં લે તેવી લોકો ઇચ્છી રહ્યા છે. શરતભંગ મામલે મોરબી ગ્રામ્ય મામલતદારનો સંપર્ક કરવા છતાં તેઓના મોબાઈલ ફોન સતત નો રીપ્લાય થયા હતા.