સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણયો : સ્ટ્રીટ લાઈટ રિપેરીંગનું તમામ કામ કોન્ટ્રાક્ટરને સોંપાશેમોરબી અપડેટ : મોરબી મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની આજે મળેલી બેઠકમાં શહેરના વિકાસ અને નાગરિકોની સુવિધાને લગતા અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. આ બેઠકમાં મુખ્યત્વે શહેરમાં નવા આધુનિક ટોયલેટ બ્લોક બનાવવા, સ્ટ્રીટ લાઈટ રીપેરીંગની કામગીરી ખાનગી એજન્સીને સોંપવા તેમજ આગામી દિવાળીના તહેવારોને લઈને શહેરના સુશોભન સહિતના વિવિધ ઠરાવોને મંજૂરી આપવામાં આવી છે.શહેરમાં બહારથી આવતા દર્દીઓના સગાવહાલા કે અન્ય પ્રવાસીઓને ફ્રેશ થવા માટે હોટલનો ખર્ચ ન કરવો પડે તેવા ઉમદા હેતુથી 5 અલગ-અલગ લોકેશન પર 5 ટોયલેટ બ્લોક બનાવવાનો નિર્ણય લેવાયો છે. આ પ્રોજેક્ટ અંદાજિત 1.76 કરોડના ખર્ચે તૈયાર થશે. આ સુવિધા માટે સામાન્ય ચાર્જ વસુલવામાં આવશે અને તેનું મેન્ટેનન્સ એજન્સી દ્વારા કરાશે, જેની કામગીરી આગામી 8 મહિનાની અંદર પૂર્ણ કરી સુવિધા ચાલુ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.સ્ટ્રીટ લાઈટ રીપેરીંગની કામગીરી કોન્ટ્રાક્ટરને સોંપાઈડોર ટુ ડોર કચરા કલેકશન અને ભૂગર્ભ ગટરની જેમ હવે શહેરમાં સ્ટ્રીટ લાઈટ રીપેરીંગનું કામ પણ એજન્સીને સોંપવામાં આવ્યું છે જેથી લોકોની ફરિયાદોનો ઝડપી ઉકેલ લાવી શકાય. આ કામગીરી માટે કોન્ટ્રાક્ટરને એક લાઈટ રીપેરીંગના 49 રૂપિયા લેખે ચુકવણું કરવામાં આવશે. કામગીરીમાં કોઈ બેદરકારી ન રહે તે માટે જો કોન્ટ્રાક્ટર 48 કલાકમાં ફરિયાદનું નિરાકરણ ન લાવે તો તેના પર 100 રૂપિયાનો દંડ ફટકારવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.કોર્પોરેશનના વાહનોના ઉપયોગ પર ભાડું વસૂલાશે મોરબી શહેરમાં કુલ 32000 લાઇટો આવેલી છે અને હાલમાં 600 થી વધુ ફરિયાદો બાકી છે. આ બાકી રહેલી ફરિયાદો મહાનગરપાલિકા પહેલા જાતે સોલ્વ કરશે અને ત્યારબાદ જ કામગીરી સંપૂર્ણપણે કોન્ટ્રાક્ટરને સોંપશે. આ ઉપરાંત, જો કોન્ટ્રાક્ટર કામગીરી માટે મહાનગરપાલિકાના 4 લાઈટના ઘોડા (વાહનો) વાપરશે તો તેની પાસેથી મહિને ઘોડા દીઠ 22400 રૂપિયા ભાડું પણ મહાનગરપાલિકા વસુલશે.દિવાળી સુશોભન અને પાણીના પંપને મંજૂરી આગામી દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને મોરબી શહેરને લાઈટિંગથી સુશોભિત કરવાના ઠરાવને બહાલી આપવામાં આવી છે. આ સાથે ઉમા ટાઉનશીપ પાસે 30 થી 35 લાખના ખર્ચે નવા સેન્ટ્રીફ્યુગલ પંપ સેટ નાખવાને પણ મંજૂરી અપાઈ છે. આ ઉપરાંત અગાઉ ખરીદવામાં આવેલી 150 હાથલારીના માપસાઈઝમાં રહેલી વિસંગતતા દૂર કરી તેનું બાકી રહેલું બિલ મંજુર કરવામાં આવ્યું છે તથા ફાયર વિભાગના સાપ્તાહિક રિપોર્ટની ચકાસણી પણ કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે આ બેઠકમાં શહેરમાં સ્ટ્રીટ લાઇટ રિપેરિંગની કામગીરી નવી એજન્સીને સોંપવા અને એજન્સી બદલીને નવા 150 મેનપાવર લેવા અંગે પણ મંજૂરી આપવામાં આવી હતી. બી ધ ચેન્જના કમ્પ્યુટર ઓપરેટરના વર્ક ઓર્ડરની મુદતમાં 1 માસનો વધારો કરવા સહિતના કામોને મંજૂરી આપવામાં આવી હતી.#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiMunicipalCorporation #DevelopmentWorks #StreetLights #SmartCityMorbi #MorbiCity