દર્દીને રિફર કરવા મામલે બોલાચાલી કરી અમિત સેજપાલ નામના શખ્સે ડોક્ટરને લાફો ઝીંકી ફરજમાં રૂકાવટ કરી હોવાની ફરિયાદ નોંધાઈવાંકાનેર (મોરબી અપડેટ): વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર પર દર્દીની સારવાર બાબતે બે શખ્સોએ હુમલો કરી ફરજમાં રૂકાવટ કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે ભોગ બનનાર તબીબે વાંકાનેર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ વાંકાનેર સરકારી હોસ્પિટલમાં બોન્ડેડ મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડોક્ટર મોહંમદ અબ્દુલરહીમ વકાલિયા (ઉ.વ. 24) ગત 23 સપ્ટેમ્બરના રોજ ઓ.પી.ડી. માં હાજર હતા. તે દરમિયાન રાત્રિના 8:30 વાગ્યાની આસપાસ વાંકાનેરનો અમિત સેજપાલ અને તેની સાથે આવેલ અન્ય એક અજાણ્યો શખ્સ ત્યાં આવ્યા હતા. અગાઉ ડોક્ટરે એક કેન્સરના દર્દીની ગંભીર સ્થિતિ જોઈને તેમને એમ.ડી. મેડિસિન ડોક્ટર પાસે રિફર કરવાની સલાહ આપી હતી, જે બાબતે આ બંને શખ્સોએ ઉશ્કેરાઈ જઈને ડોક્ટર સાથે રકઝક અને બોલાચાલી કરી હતી.અમિત સેજપાલે ડોક્ટર મોહંમદને ગાળો ભાંડીને ગરદનના પાછળના ભાગે થપ્પડ મારી દીધી હતી. હોસ્પિટલનો સ્ટાફ વચ્ચે આવી જતા આ બંને શખ્સો 'હું તને જોઈ લઈશ' તેવી ધમકી આપીને જતા રહ્યા હતા. આ મામલે ડોક્ટર વકાલિયાએ ફરજમાં રૂકાવટ કરવા અને હુમલો કરી ધમકી આપવા બદલ અમિત સેજપાલ અને અજાણ્યા શખ્સ વિરુદ્ધ વાંકાનેર સિટી પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે.#Morbi #MorbiUpdate #MorbiNews #Wankaner #WankanerCivilHospital #DoctorAssault #CrimeNews #WankanerPolice