DISH અને GIDM ના સંયુક્ત ઉપક્રમે નેક્સિયન સરફેસીસ ખાતે યોજાયેલા સેમિનારમાં ઈમરજન્સી સજ્જતા અને બચાવ કામગીરી અંગે માર્ગદર્શન અપાયુંમોરબી અપડેટ: ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકના ડિરેક્ટોરેટ ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થ (DISH) તથા ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (GIDM) ના સંયુક્ત ઉપક્રમે તારીખ 24 સપ્ટેમ્બર 2026 ના રોજ મોરબીની નેક્સિયન સરફેસીસ પ્રા. લિ. ખાતે એક વિશેષ ઓરિએન્ટેશન તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમનો મુખ્ય વિષય 'વર્કપ્લેસ સેફ્ટી, પ્રોપેન સેફ હેન્ડલિંગ એન્ડ ઈમરજન્સી પ્રિપેર્ડનેસ ફોર MAH ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્ટોલેશન્સ' રહ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ઉદ્યોગોમાં કામ કરતા શ્રમિકો અને અધિકારીઓને કાર્યસ્થળ પર સલામતીના નિયમોનું ચુસ્ત પાલન, પ્રોપેન જેવા અતિ-જ્વલનશીલ ગેસના સુરક્ષિત ઉપયોગ અને સંગ્રહ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત, મેજર એક્સિડન્ટ હેઝાર્ડ (MAH) ધરાવતા ઔદ્યોગિક એકમોમાં કોઈપણ પ્રકારની કટોકટી કે આગનો અકસ્માત સર્જાય ત્યારે ત્વરિત પગલાં લઈ બચાવ કાર્ય કેવી રીતે હાથ ધરવું તે અંગે સઘન માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.આ સેમિનારમાં DISH અને GIDM ના તજજ્ઞો દ્વારા સંભવિત ઔદ્યોગિક જોખમો નિવારવા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની સજ્જતા વધારવા માટે ઉપસ્થિતોને વ્યવહારુ તાલીમ આપવામાં આવી હતી. ઉદ્યોગો માટે અત્યંત ઉપયોગી એવા આ ઓરિએન્ટેશન કાર્યક્રમમાં સંબંધિત અધિકારીઓ અને વિવિધ ઉદ્યોગગૃહોના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.#Morbi #MorbiUpdate #MorbiNews #IndustrialSafety #DISH #GIDM #PropaneSafety #DisasterManagement #WorkplaceSafety