બન્ને આરોપીઓ મુંબઈથી રો-મટીરીયલ મંગાવી આપતા હતા : પકડાયેલા 5 આરોપીઓના રિમાન્ડ દરમિયાન કૌભાંડનું રાજસ્થાન અને મુંબઈ કનેક્શન પણ ખુલ્યુંમોરબી અપડેટ : મોરબી એલસીબી ટીમે ગત 6 સપ્ટેમ્બરે માળીયા (મીં) તાલુકાના મોટા દહિંસરા ગામે રહેણાંક મકાનમાં ચાલતી કેમિકલ યુક્ત ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવવાની ગેરકાયદે ફેક્ટરીનો પર્દાફાશ કર્યા બાદ પાંચ આરોપીઓની રિમાન્ડમાં અનેક વિગતો મેળવી છે. જેમાં આ કાંડમાં રાજસ્થાનના બે શખ્સોના પણ ખુલ્યા છે. આ બન્ને શખ્સો રો મટીરીયલ મુંબઈથી મંગાવી આપતા હોવાનું સામે આવ્યું છે.ઝડપાયેલા 5 આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 16 તારીખ સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. આ રિમાન્ડ દરમિયાન આરોપીઓની સઘન પૂછપરછમાં નકલી દારૂ બનાવવા માટે રો-મટીરીયલ સપ્લાય કરનારા મુખ્ય બે શખ્સોના નામ ખુલ્યા છે. જેમાં રાજસ્થાનના અજીતસિંહ દેવેન્દ્રસિંહ રાઠોડ ઉર્ફે બન્ના રહે.શેરગઢ બ્યાવર અર્જુનસિંહ સોઢા રહે. ચૌટન, બ્યાવરનું નામ સામે આવ્યું છે. આ બંને શખ્સો દ્વારા જ ફેક્ટરી માટે રો-મટીરીયલ મોકલવામાં આવતું હોવાની કબૂલાત આરોપીઓએ આપી છે.આ નકલી દારૂના કાળા કારોબારનું નેટવર્ક છેક મુંબઈ અને રાજસ્થાન સુધી ફેલાયેલું હોવાનું તપાસમાં સ્પષ્ટ થયું છે. દારૂ બનાવવા માટે વપરાતું કેમિકલ મુંબઈથી મંગાવવામાં આવતું હતું અને ત્યારબાદ અન્ય સપ્લાયરો મારફતે તેને મોરબી મોકલવામાં આવતું હતું. જ્યારે કાચની બોટલો, પેકિંગ માટેના બોક્સ, બારકોડ, ક્યુઆર કોડ અને બોટલ પર લગાવવાના આગળ પાછળના સ્ટીકરો રાજસ્થાનના ઉદયપુર અને જયપુરથી સપ્લાય કરવામાં આવતા હતા. નકલી દારૂની આ ફેક્ટરીના મૂળ સુધી પહોંચવા માટે પોલીસે આંતરરાજ્ય તપાસ શરૂ કરી છે. મોરબી પોલીસની અલગ અલગ ટીમો બનાવીને રાજસ્થાનના ઉદયપુર, બાવર અને શેરગઢ ખાતે મોકલવામાં આવી હતી. આ ઉપરાંત કેમિકલ સપ્લાયરોને ઝડપી લેવા માટે પોલીસની એક ટીમ મુંબઈના અંધેરી અને ભિવંડી ખાતે પણ પહોંચી હતી. આગામી દિવસોમાં ખાલી બોટલો સપ્લાય કરનારા ડ્રાઈવર સહિત અન્ય લોકોના નામ પણ આ ગુનામાં ખુલે તેવી શક્યતા છે.રાજસ્થાનનો આરોપી અગાઉ નકલી દારૂ કાંડમાં બે વખત પોલીસ ચોપડે આવી ચુક્યો છે નકલી દારૂના સપ્લાયર તરીકે જેનું નામ ખુલ્યું છે તે રાજસ્થાનનો અર્જુનસિંહ સોઢા રીઢો ગુનેગાર છે. અર્જુનસિંહ આ અગાઉ વર્ષ 2025 ના અંતમાં જામનગરમાં ઝડપાયેલી નકલી દારૂની ફેક્ટરીના ગુનામાં પકડાઈ ચુક્યો છે. આ ઉપરાંત ગત એપ્રિલ 2026 માં ભાવનગરના મહુવા ખાતે પકડાયેલા આવા જ નકલી દારૂના કૌભાંડમાં પણ તેની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. આ શખ્સ લાંબા સમયથી સૌરાષ્ટ્રમાં આવું ગેરકાયદેસર નેટવર્ક ચલાવતો હોવાનું સ્પષ્ટ થતાં તેની સઘન શોધખોળ હાથ ધરાઈ છે.પકડાયેલ એક આરોપીનું ભાવનગર કનેકશન ખુલતા ત્યાંની એલસીબીએ પણ કરી પૂછપરછમોટા દહિંસરા કાંડમાં ઝડપાયેલો આરોપી રામદેવસિંહ ઘનશ્યામસિંહ ઝાલા અગાઉ ભાવનગરના મહુવામાં પકડાયેલા નકલી દારૂના ગુનામાં પણ કોમન આરોપી છે. તપાસ દરમિયાન રામદેવસિંહનું મહુવા કનેક્શન ખુલતા ભાવનગર એલસીબીની ટીમ પણ મોરબી દોડી આવી હતી. ભાવનગર પોલીસે અહીં આવીને રામદેવસિંહની સઘન પૂછપરછ હાથ ધરી હતી, જેમાં ભાવનગરના ગુનામાં ડુપ્લીકેટ નામથી ફેક્ટરીના માલસામાન સપ્લાય અને સ્ટીકરો અંગેના મહત્વના ખુલાસા થયા હોવાનું મનાય છે.ફરાર મુખ્ય સૂત્રધારને પકડવા તપાસનો ધમધમાટ મોટા દહિંસરા ગામે પોતાના જ મકાનમાં નકલી દારૂની ફેક્ટરી ચલાવવા દેનાર અને આ કૌભાંડનો મુખ્ય સુત્રધાર અજયસિંહ બાવુભા જાડેજા હજુ પણ પોલીસ પકડથી દુર છે. રિમાન્ડ પૂર્ણ થયા બાદ હવે પોલીસનું મુખ્ય ફોકસ આ ફરાર આરોપીને ઝડપી લેવા પર છે. અજયસિંહને પકડવા માટે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને સંભવિત સ્થળો પર સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે. તેની ધરપકડ બાદ સ્થાનિક લેવલે મદદ કરનાર અન્ય સાગરીતોના નામ પણ બહાર આવી શકે છે.