શેરડી પાછળ એરડી પીલાઈ ઉક્તિની જેમ વોલ ટાઇલ્સ બાદ અસ્તિત્વ ટકાવી રાખવા ઝઝૂમતા સ્પ્રે ડાયર યુનિટોકોરોના લોકડાઉન બાદ સ્પ્રે ડાયરના 50 ટકા કારખાના બંધ થઈ ગયા : મોટી આધુનિક વોલ ટાઇલ્સ ફેકટરીઓની એન્ટ્રી થતા સ્પ્રે ડાયર એકમોના સરનામાં વિખાયામોરબી : તળિયા, ઘડિયા અને નળિયાની નગરી મોરબીમાં મોઝેક ટાઇલ્સ બાદ ગ્લેઝ ટાઇલ્સથી શરૂ થયેલી સિરામિક ક્રાંતિને પગલે આજે સમગ્ર વિશ્વમાં મોરબીનો સિરામિક ઉદ્યોગ બીજા નંબરનું ટોચનું સ્થાન ધરાવે છે.જો કે, શરૂઆત તેનો અંત નિશ્ચિત હોય છે તેમ સિરામિક ઉદ્યોગમાં પણ નવી નવી ટેકનોલોજી અને આધુનિકતાને કારણે જૂની ટેકનોલોજીવાળા એકમો અસ્તિવ ગુમાવી રહ્યા છે જેમાં વોલ ટાઇલ્સ એકમોની ખો નીકળી જતા શેરડી પાછળ એરડી પિલાઇ ઉક્તિ મુજબ વોલ ટાઇલ્સ એકમોની પાછળ પાછળ સ્પ્રે ડાયર એકમો પણ હાલમાં અસ્તિવત ટકાવી રાખવા ઝઝૂમી રહ્યા છે.કોરોના મહામારીના લોકડાઉન બાદ મોરબી સિરામિક કલસ્ટરમાં હાલમાં 50 ટકા સ્પ્રે ડાયરો જ ટકી શક્યા છે.બાકી બચેલા એકમો પણ કોલસાના વધતા ભાવ અને નવા આધુનિક એકમો સામે બાથ ભીડી રહ્યા છે.સિરામિક ઇન્ડસ્ટ્રીઝ વોલ ટાઇલ્સ ફેકટરીઓ માટે સ્પ્રે ડાયર પાયા સમાન ગણવામાં આવે છે. સ્પ્રે ડાયરમાં તૈયાર થતી ખાસ માટીથી જ ઝગમગારા મારતી ટાઇલ્સ તૈયાર થતી હોય છે. મોરબી સિરામિક કલસ્ટરમાં એક સમયે વોલ ટાઇલ્સના ચમકતા સિતારા વચ્ચે સ્પ્રે ડાયર ઉદ્યોગ પણ ફુલ્યો ફાલ્યો હતો અને સ્પ્રે ડાયરમાં તૈયાર થતી ખાસ માટીથી વોલ ટાઇલ્સની અવનવી ડિઝાઈનો બનતી હતી.જો કે, વર્ષ 2022 - 23માં કોરોના લોકડાઉન બાદ વોલ ટાઇલ્સ એકમોની સાથે જ સ્પ્રે ડાયર એકમોના અસ્તની શરૂઆત થઈ ગઈ, લોકડાઉન ખુલ્યા બાદ માર્કેટમાં ધીમે ધીમે નવી ટેકનોલોજી સાથેના આધુનિક વોલ ટાઇલ્સ એકમોની એન્ટ્રી થતા આ એકમોમાં માટી તૈયાર કરવાની સ્પ્રે ડાયરની કામગીરી થવા લાગતા નાના સ્પ્રે ડાયર એકમો એક બાદ એક બંધ થવા લાગ્યા.પરિણામ સ્વરૂપ એક સમયે મોરબીમાં 80થી વધુ સ્પ્રે ડાયરો રાત દિવસ ધમધમતા હતા તેમા ધીમે ધીમે ઘટાડો આવવા લાગતા હાલમાં મોરબી સિરામિક કલસ્ટરમાં માત્ર 40 જેટલા એકમો જ ચાલુ છે.ખાસ કરીને પીપળી રોડ સ્પ્રે ડાયરનું હબ ગણાય છે ત્યાં હાલમાં માત્ર 16 જેટલા એકમો જ ચાલુ હોવાનું સિરામિક વર્તુળો જણાવી રહ્યા છે.સિરામિક ઉદ્યોગમાં સ્પ્રે ડાયરની કામગીરીસીરામીક ટાઇલ્સના ઉત્પાદનમાં સ્પ્રે ડ્રાયર યુનિટ અત્યંત મહત્વપૂર્ણ કામગીરી કરે છે. સ્પ્રે ડાયરનું મુખ્ય કામ પ્રવાહી માટીના મિશ્રણમાંથી પાણી દૂર કરીને તેને હાઇડ્રોલિક પ્રેસિંગ માટે યોગ્ય એવા ચોક્કસ ભેજવાળા, સમાન કદના ગોળાકાર દાણાદાર પાવડરમાં રૂપાંતરિત કરવાનું છે. સ્પ્રે ડ્રાયર એકમની કામગીરી જોઈએ તો આ એકમમાં માટીમાં વિવિધ મિનરલ્સનું મિશ્રણ કરી પાણીના ઘટ્ટ પ્રવાહી મિશ્રણને પંપ દ્વારા અત્યંત ઊંચા દબાણથી સ્પ્રે ડ્રાયરના વિશાળ ટાવરમાં નોઝલ મારફતે ફુવારાની જેમ સ્પ્રે કરવામાં આવે છે. આનાથી માટીના ઘટ્ટ પ્રવાહીના એકદમ ઝીણાં ટીપાં બને છે. બાદમાં ટાવરની અંદર બર્નર દ્વારા લગભગ 500°C થી 600°C તાપમાને ગરમ હવા દાખલ કરવામાં આવે છે. જ્યારે સ્લિપ એટલે કે ભીની માટીના ઝીણાં ટીપાં આ ગરમ હવાના સંપર્કમાં આવે છે, ત્યારે ગણતરીની સેકન્ડોમાં જ તેમાંથી મોટાભાગના પાણીનું બાષ્પીભવન થઈ જાય છે. જે બાદ પાણી ઉડી જવાથી માટી એકદમ નાના, સમાન કદના અને ગોળાકાર દાણામાં ફેરવાય છે. પ્રેસિંગ પ્રક્રિયા સારી રીતે થાય તે માટે આ પાવડરને સાવ સૂકો કરવાને બદલે તેમાં સામાન્ય ચોક્કસ માત્રામાં ભેજ જાળવી રાખવામાં આવે છે.ટાઇલ્સ બનાવવા માટે માટીનો 'ફ્રી-ફ્લોઇંગ' પાવડર આવશ્યકસિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં ટાઇલ્સના બિસ્કિટ માટે એકદમ સરળતાથી વહી શકે તેવો ફ્રી ફ્લોઇંગ પાવડર આવશ્યક હોય છે જેથી સ્પ્રે ડાયર યુનિટમાં માટીમાં વિવિધ મિનરલ્સના મિશ્રણ બાદ ઘટ્ટ પ્રવાહી તૈયાર કરી આ પ્રવાહીને ફ્રી ફ્લોઇંગ માટીમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા કરવામાં આવે છે.સ્પ્રે ડાયરમાં સુકાયેલો અને તૈયાર થયેલો આ પાવડર ડ્રાયરના નીચેના શંક્વાકાર ભાગમાં ભેગો થાય છે અને ત્યાંથી કન્વેયર બેલ્ટ દ્વારા સ્ટોરેજ સાઇલોમાં આગળની પ્રક્રિયા માટે મોકલવામાં આવે છે.જ્યાં ઝીણી ધૂળવાળી ગરમ હવાને ડાયરેક્ટ બહાર ફેંકવાને બદલે સાયક્લોન સેપરેટર અથવા બેગ ફિલ્ટર દ્વારા સાફ કરવામાં આવે છે, જેથી ઝીણો પાવડર ફરીથી વાપરી શકાય અને પર્યાવરણ પ્રદૂષિત ન થાય. મહત્વનું છે કે, સિરામિક ટાઇલ્સ બનાવવા માટે માટીનો પાવડર સરળતાથી વહી શકે તેવો હોવો ખૂબ જરૂરી છે. સ્પ્રે ડ્રાયર દ્વારા બનતા પાવડરના દાણા એકદમ ગોળ હોય છે, જેના કારણે તે પ્રેસ મશીનના મોલ્ડમાં ચારે તરફ એકસરખી રીતે પથરાય છે. જો આમ ન થાય તો ટાઇલ્સ પ્રેસ કરતી વખતે અંદર હવા રહી જાય છે, જેનાથી ટાઇલ્સ તૂટી જવાની અથવા ભઠ્ઠીમાં પકવતી વખતે ફાટી જવાની શક્યતા રહે છે. તેથી, ઉચ્ચ ગુણવત્તાવાળી ટાઇલ્સ બનાવવાનો પાયો સ્પ્રે ડ્રાયરની યોગ્ય કામગીરી પર જ રહેલો છે.