ભાવનગરના સોનગઢ ખાતે યોજાયેલા 20મા ગણિત મહોત્સવમાં હળવદના વિદ્યાર્થીઓએ મેડલ અને ટ્રોફી જીતી જિલ્લાનું ગૌરવ વધાર્યુંહળવદ (મોરબી અપડેટ) : ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ દ્વારા ભાવનગર જિલ્લાના સોનગઢ મુકામે 20મો ગુજરાત રાજ્ય 'ગણિત મહોત્સવ' ભવ્ય રીતે યોજવામાં આવ્યો હતો. આ રાજ્યકક્ષાના મહોત્સવમાં હળવદની તક્ષશિલા સંકુલના વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી મોરબી જિલ્લા અને શાળાનું નામ રોશન કર્યું છે.આ કાર્યક્રમમાં જાણીતા ખગોળશાસ્ત્રી ડૉ. જે.જે. રાવલ, ઇસરોના વૈજ્ઞાનિક પરેશ સરવૈયા, નાસાના વૈજ્ઞાનિક ડૉ. એકતા શાહ અને ડૉ. ચંદ્રમૌલી જોશી સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ગણિત મહોત્સવમાં રાજ્યભરમાંથી આશરે 125 વિદ્યાર્થીઓ, 45 શિક્ષકો અને 15 શ્રેષ્ઠ શિક્ષકો જોડાયા હતા.રાજ્યકક્ષાના આ ગણિત મહોત્સવમાં હળવદની તક્ષશિલા સંકુલના શાહનવાઝ અંસારીએ મોડેલ પ્રેઝન્ટેશનમાં શાનદાર પ્રદર્શન કરી ટ્રોફી અને સર્ટિફિકેટ મેળવ્યા હતા. જ્યારે જુનિયર કેટેગરી મોડેલ પ્રેઝન્ટેશનમાં મકવાણા પાર્થે સિલ્વર મેડલ તથા વડાવિયા હર્ષ અને ઠાકર દિવ્યમે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા હતા. આ ઉપરાંત, રાજ્ય કક્ષાએ મેથ્સ ક્વિઝ કોમ્પિટિશનમાં શ્રેષ્ઠ પ્રતિનિધિત્વ કરવા બદલ શાળાના ધૈર્યરાજ ઝાલા, ભાવિક ઉડેચા, આયુષ ઈંદરિયા અને પ્રતિક વાલાણીને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.આ તમામ વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર તરીકે રામજીભાઈ જાકાસણિયા અને રાજેન્દ્રભાઈ મહેતાનું સચોટ માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. વિજેતા બનેલા તમામ વિદ્યાર્થીઓને નાસાના સાયન્ટિસ્ટ ડૉ. એકતાબેન શાહ, ચંદ્રમૌલિ જોષી અને ડૉ. મહેશ પટેલે વિશેષ અભિનંદન પાઠવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી હતી.#Halvad #TakshashilaSankul #MathsFestival #MorbiUpdates #MorbiNews #GujaratEducation #ProudMoment #HalvadNews