ત્રણ અઠવાડિયા પૂર્વે સર્જાયેલા અકસ્માતમાં બાઇક ચાલકે સારવાર મેળવ્યા બાદ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરીમોરબી અપડેટ : મોરબીના રવાપર-ઘુનડા રોડ પર આવેલ શનાળા ત્રણ રસ્તા પાસે એક પૂરપાટ આવતી કારે બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક સવાર બે વ્યક્તિઓને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત ત્રણ અઠવાડિયા પૂર્વે સર્જાયો હતો. સારવાર મેળવ્યા બાદ બાઇક ચાલકે આ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, મોરબીમાં અવની રોડ પર રહેતા 40 વર્ષીય ગુણવંતભાઈ દેવશીભાઈ ચાવડા અને તેમના મિત્ર બિપિનભાઈ ગત તારીખ 31/08/2026 ના રોજ સવારના 07:30 વાગ્યાની આસપાસ પોતાનું હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ (GJ 03 FM 5225) લઈને જડેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. આ સમયે રવાપર ઘુનડા રોડ શનાળા ત્રણ રસ્તા પાસે પહોંચતા, રવાપર તરફથી પૂરઝડપે આવતી વેગેનાર કાર (GJ 36 AL 6406) ના ચાલકે અચાનક શનાળા તરફ કાર વાળતા બાઈક કારના ખાલી સાઈડના આગળના દરવાજા સાથે ભટકાયું હતું.આ અકસ્માતમાં ગુણવંતભાઈ અને બિપિનભાઈ બંને નીચે પટકાતા ઈજાઓ પહોંચી હતી. ગુણવંતભાઈને ચહેરાના ભાગે, ડાબી આંખના ઉપર અને નીચેના ભાગે ગંભીર ઈજાઓ થતા ઓપરેશન કરાવવું પડ્યું હતું તથા નાકના ભાગે ટાંકા આવ્યા હતા, જ્યારે બિપિનભાઈને પણ આંખ અને હાથના ભાગે ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક પોતાનું વાહન મૂકીને નાસી છૂટ્યો હતો.ગુણવંતભાઈને ચહેરાના ભાગે ઈજા હોવાથી ડૉક્ટરે ઓછું બોલવાની સલાહ આપી હતી, જેથી પોલીસ ફરિયાદ મોડી નોંધાઈ હતી. તારીખ 21/09/2026 ના રોજ ગુણવંતભાઈ દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વેગેનાર કાર (GJ 36 AL 6406) ના અજાણ્યા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે BNS ની કલમ 281, 125(a), 125(b) અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184, 134 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.#Morbi #MorbiUpdate #Accident #MorbiPolice #RoadSafety #MorbiNews #Gujarat