રીક્ષામાં પોતાના ગામ જઈ રહેલા યુવકનું અકાળે મૃત્યુમોરબી : મોરબીના રફાળેશ્વરથી સીએનજી રીક્ષામાં બેસી જોડિયા તાલુકાના કોઠારીયા ગામે જઈ રહેલા યુવકની રીક્ષાને નેશનલ હાઇવે પર શૈલેષ કાંટા નજીક ટ્રક ટ્રેઇલર ચાલકે હડફેટે લઈ અન્ય એક બોલેરો ગાડીને પણ ટક્કર મારતા આ ત્રિપલ અકસ્માતમાં યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે પર ગઈકાલે સાંજના સમયે જીજે - 36 - ડબ્લ્યુ - 1768 નંબરની સીએનજી રીક્ષામાં બેસીને જોડિયા તાલુકાના કોઠારીયા ગામે જઈ રહેલા દેવજીભાઈ બચુભાઇ રેસિયાની રીક્ષા નેશનલ હાઇવે પર શૈલેષ કાંટા નજીક પહોંચતા ટ્રક ટ્રેઇલર નંબર જીજે - 36 - ટી - 8058ના ચાલકે રીક્ષાને ટક્કર મારતા દેવજીભાઈ રીક્ષામાંથી રોડ પર પટકાયા હતા અને ટ્રેઇલરનું ટાયર તેમના પર ફરી વળતા ગંભીર ઇજાઓ થતા દેવજીભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.આ અકસ્માત સમયે ટ્રેઇલર ચાલકે અન્ય બોલેરો ગાડીને પણ હડફેટે લીધી હતી.અકસ્માતના બનાવ અંગે મૃતક દેવજીભાઈના પત્ની જયાબેન દેવજીભાઈ રેસિયા રહે.હાલ રફાળેશ્વર, મચ્છોનગર, મોરબી, મૂળ રહે.કોઠારીયા તા.જોડિયાની ફરિયાદના આધારે તાલુકા પોલીસે ટ્રક ટ્રેઇલર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.