અરજદારોની સુવિધા માટે લેવાયો નિર્ણય: ગુરુવારે મામલતદાર કચેરીમાં અને શુક્ર-શનિવારે ગામડાઓમાં ક્ષેત્રિય કામગીરી મોરબી અપડેટ: મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાં મહેસુલી તલાટીઓની સેજા ખાતેની કામગીરી વધુ સુવ્યવસ્થિત થાય અને ગ્રામજનોને મહેસુલી સેવાઓ સરળતાથી ઘરઆંગણે ઉપલબ્ધ થઈ શકે તે હેતુથી જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા મહેસુલી તલાટીઓની હાજરી તથા કામગીરી માટે એક ચોક્કસ સમયપત્રક નક્કી કરવામાં આવ્યું છે.નવા નક્કી કરાયેલા સમયપત્રક મુજબ હવેથી તમામ મહેસુલી તલાટીઓએ અઠવાડિયાના પ્રથમ ત્રણ દિવસ એટલે કે સોમવારથી બુધવાર સુધી ફરજિયાતપણે તેમના સેજાના મુખ્ય મથક ખાતે હાજર રહી ફરજ બજાવવાની રહેશે. જ્યારે ગુરુવારના રોજ તમામ મહેસુલી તલાટીઓએ પોતાની સંબંધિત મામલતદાર કચેરી ખાતે યોજાતી બેઠકમાં હાજરી આપવાની રહેશે.આ ઉપરાંત, અઠવાડિયાના અંતિમ બે દિવસ શુક્રવાર અને શનિવારના રોજ મહેસુલી તલાટીઓ તેમના સેજામાં સમાવિષ્ટ અન્ય ગામોની મુલાકાત લઈ ક્ષેત્રિય (ફિલ્ડ) કામગીરી કરશે અને સ્થળ પર જઈ જરૂરી મહેસુલી કામગીરી હાથ ધરશે.આ નવી વ્યવસ્થા લાગુ થવાથી સેજાના મુખ્ય મથક ખાતે મહેસુલી તલાટીઓની નિયમિત હાજરી સુનિશ્ચિત થશે. જેના પરિણામે ગ્રામજનોને વિવિધ મહેસુલી દાખલાઓ, અરજીઓ તથા અન્ય કામગીરી માટે જરૂરી માર્ગદર્શન અને સેવાઓ સરળતાથી મળી રહેશે. સાથે જ શુક્ર-શનિની મુલાકાતોથી ગામડાઓમાં ક્ષેત્રિય કામગીરી પણ વધુ અસરકારક બનશે. આ ઉક્ત સમયપત્રક મુજબ તમામ તલાટીઓએ પોતાની ફરજ નિયમિત અને સમયબદ્ધ રીતે બજાવવાની રહેશે તેવી સ્પષ્ટ સૂચના અપાઈ છે.#Morbi #MorbiUpdate #MorbiNews #RevenueTalati #CollectorOfficeMorbi #PublicService #TalatiSchedule #GujaratRevenue