કેર હેલ્થ ઈન્સ્યોરન્સ કંપનીએ મેડીકલ ક્લેમ નામંજૂર કરતા ગ્રાહક સુરક્ષા મંડળ મારફતે ગ્રાહક અદાલતમાં કેસ કરાયો હતો: કોર્ટે વીમા કંપનીની સેવામાં ખામી ગણીમોરબી અપડેટ: હળવદના એક નાગરિકનો મેડીકલ ક્લેમ કેર હેલ્થ ઈન્સ્યોરન્સ કંપનીએ નામંજૂર કરતા મામલો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ સુધી પહોંચ્યો હતો. જે બાદ ગ્રાહક અદાલતમાં કેસ દાખલ થતા કોર્ટે વીમા કંપનીને ફટકાર લગાવી ગ્રાહકને 1,75,448 રૂપિયા વ્યાજ સાથે અને માનસિક ત્રાસ તથા ખર્ચના 5000 રૂપિયા ચૂકવી આપવા હુકમ કર્યો છે.આ કેસની વિગત મુજબ, હળવદના વતની દિપકભાઈ રમણીકભાઈ પટેલે કેર હેલ્થ ઈન્સ્યોરન્સ કંપનીનો મેડીકલ વીમો લીધેલ હતો. તેઓ તારીખ 15/10/24 ના રોજ એક્ટીવામાં જતા હતા ત્યારે રસ્તામાં અકસ્માત થતા તેમના ડાબા પગના ગોઠણમાં ઈજા પહોંચી હતી. તેમને આભા ઓર્થોપેડીક હોસ્પિટલમાં તારીખ 12/11/24 અને 13/11/24 ના રોજ દાખલ કરી ઓપરેશન કરાવવામાં આવ્યું હતું. આ સારવારનો કુલ ખર્ચ 1,75,448 રૂપિયા થયો હતો.દિપકભાઈએ વીમા કંપનીમાં તમામ બીલ રજુ કરી માંગણી કરતા વીમા કંપનીએ તારીખ 03/12/24 ના રોજ રેપ્યુડ લેટરથી ક્લેમ નામંજૂર કર્યો હતો અને વીમો મળશે નહિ તેવી જાણ કરી હતી. જેથી અસંતોષ પામેલા દિપકભાઈએ મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાનો સંપર્ક કર્યો હતો. લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં વીમા કંપની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.નામદાર કોર્ટે સુપ્રિમ કોર્ટના ચુકાદાને ટાંકીને વીમા કંપનીને જણાવ્યું હતું કે ગ્રાહક પાસે મેડીકલ પોલીસી છે અને પ્રીમીયમ ભરે છે, તેથી માત્ર રેપ્યુડ લેટરથી ક્લેમ ના પાડી શકાય નહીં, આ તમારી સેવામાં ખામી છે. કોર્ટે દિપકભાઈ પટેલને તેમના સારવાર ખર્ચના 1,75,448 રૂપિયા તારીખ 15/03/25 થી 6 ટકાના ચડતા વ્યાજ સાથે ચૂકવવા તેમજ 5000 રૂપિયા ખર્ચના આપવાનો હુકમ કર્યો છે. જો એક માસમાં વીમા કંપની આ રકમ ન આપે તો 9 ટકા લેખે વ્યાજ ચૂકવવાનું રહેશે. મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળે નાગરિકોને પોતાના હક માટે લડવા અને અન્યાય થાય તો મંડળનો સંપર્ક કરવા અપીલ કરી છે.#Morbi #MorbiUpdate #ConsumerCourt #ConsumerProtection #Halvad #InsuranceClaim #CareHealthInsurance #MorbiNews