કેન્દ્રીય નાણા મંત્રાલયે ઝુંબેશનો આદેશ આપતા બેંકોએ વર્ષોથી બંધ પડેલા 1414 ખાતેદારો તથા તેના વારસદારોને શોધી રૂ.3.26 કરોડ પરત કર્યામોરબી અપડેટ: કોઈ કારણોસર બેંક એકાઉન્ટમાં વર્ષોથી ટ્રાન્ઝેક્શન અટકી ગયા હોય અને આવા બંધ પડેલા ખાતાઓમાં થાપણો પણ પડી હોય તેવા ખાતાના ધારકોને તથા તેના વારસદારોને શોધી તેની થાપણો પરત આપવા નાણામંત્રાલયે ઝુંબેશ શરૂ કરાવી હતી. આ ઝુંબેશ બાદ પણ હજુ મોરબી જિલ્લાની બેંકોમાં 92 હજારથી વધુ એવા ખાતાઓ છે જેના ધણી એટલે કે ખાતાધારક કે વારસદાર મળી રહ્યા નથી. આ ખાતાઓમાં અધધધ રૂ.32.24 કરોડની રકમ પડી છે.કેન્દ્રીય નાણા મંત્રાલય દ્વારા શરૂ કરાયેલી 'આપ કી પૂંજી આપ કા અધિકાર' ઝુંબેશને એક વર્ષ પૂર્ણ થયું હોવા છતાં, મોરબી જિલ્લાની વિવિધ બેંકોમાં કરોડો રૂપિયાની રકમ હજુ પણ બિનવારસુ પડી હોવાની વિગતો સામે આવી છે. મોરબી જિલ્લામાં 92,396 જેટલા બેંક ખાતાઓમાં કુલ રૂ. 32.24 કરોડની 'અનકલેઈમ ડિપોઝિટ' જમા બોલે છે. અહેવાલ મુજબ, ઓગસ્ટ 2025થી 30 જૂન 2026 સુધીના સમયગાળા દરમિયાન મોરબી જિલ્લામાં માત્ર 1,414 ખાતેદારો અથવા તેમના વારસદારો સુધી પહોંચીને કુલ રૂ. 3.26 કરોડની રકમ ચૂકવીને ખાતા સેટલ કરવામાં સફળતા મળી છે. જ્યારે હજુ પણ મોટી સંખ્યામાં ખાતેદારોના કરોડો રૂપિયા બેંકોમાં ક્લેઇમ વગર જમા પડ્યા છે.ગુજરાતમાં 78 લાખ એકાઉન્ટમાં રૂ. 2,837 કરોડથી વધુ રકમ લાવારીસસમગ્ર ગુજરાતની સ્થિતિ જોઈએ તો, જાહેર, ખાનગી અને સહકારી બેંકોના કુલ 78,62,617 એકાઉન્ટમાં રૂ. 2,837.81 કરોડની રકમ બિનવારસી પડી છે. રાજ્યભરમાંથી માત્ર 76,295 ખાતાઓના રૂ. 239.30 કરોડ જ મૂળ ખાતેદારો કે વારસદારોને પરત કરી શકાયા છે. રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં રૂ. 486.95 કરોડ બિનવારસુ છે. ત્યારબાદ સુરતમાં રૂ. 274.47 કરોડ, વડોદરામાં રૂ. 265.97 કરોડ, નવસારીમાં રૂ. 177.04 કરોડ અને રાજકોટમાં રૂ. 139.20 કરોડની રકમ અનકલેઈમ રહેલી છે. ગુજરાત સ્ટેટ લેવલ બેંકર્સ કમિટીની જૂન 2026ની બેઠકમાં પણ આ અંગે ચર્ચા થઈ હતી અને રિઝર્વ બેંકે અનકલેઈમ્ડ બેંક એકાઉન્ટ સક્રિય કરવાની પ્રક્રિયા વધુ ઝડપી બનાવવા નિર્દેશ આપ્યા છે. વહીવટી તંત્ર અને બેંકો વચ્ચે યોગ્ય સંકલન સાધીને સાચા વારસદારો સુધી આ રકમ પહોંચાડવા પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.#Morbi #MorbiUpdate #MorbiNews #GujaratNews #Banking #UnclaimedDeposits #RBI #FinanceNews