5 વર્ષ પહેલા પતિની બીમારી માટે મહિલાએ રૂ.1 લાખ લીધા હતા, તેની સાથે શરીર સંબંધ બાંધતા બાળક પણ થયું, બાદમાં તેની જવાબદારીથી હાથ ઊંચા કરી દેતા મહિલાએ નોંધાવી ફરિયાદમોરબી અપડેટ : મોરબીના મહિલા કોર્પોરેટરના પતિએ એક પરિણીત મહિલા સાથે ઉછીના આપેલા પૈસાની ઉઘરાણીના બહાને દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનામાં મહિલાએ એક બાળકને જન્મ પણ આપ્યો હતો અને આરોપીએ પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી દેતા આખરે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. પોલીસે આ ગંભીર ગુનાની નોંધ લઈને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.એ ડિવિઝન પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આજથી આશરે 5 વર્ષ પહેલાં પીડિત મહિલાના પતિ બીમાર હોવાથી તેઓને પૈસાની સખત જરૂરિયાત ઉભી થઈ હતી. આ કપરા સમયે મહિલાએ મોરબીમાં જ રહેતા વોર્ડ નં.8ના મહિલા કોર્પોરેટરના પતિ શૈલેષ લક્ષ્મણભાઈ માકાસણા પાસેથી 1 લાખ રૂપિયા ઉછીના લીધા હતા. આ પૈસા પરત માંગવાના બહાને આરોપી શૈલેષ માકાસણાએ મહિલા સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા.ઉછીના લીધેલા પૈસાની ઉઘરાણી કરવાના બહાને શૈલેષે મહિલા પર બળાત્કાર ગુજારતા મહિલા ગર્ભવતી બની ગઈ હતી. ગર્ભ રહી ગયા બાદ આરોપી શૈલેષે શરૂઆતમાં એવી ખાતરી આપી હતી કે તે આ અંગેની તમામ જવાબદારી ઉઠાવી લેશે. ત્યારબાદ આ મહિલાએ એક બાળકને જન્મ આપ્યો હતો, જે બાળક હાલમાં આશરે 4 વર્ષનું છે. પરંતુ સમય જતા આરોપી પોતાની આપેલી ખાતરી અને જવાબદારીમાંથી ફરી ગયો હતો અને મહિલાને કોઈ સાથ આપ્યો ન હતો. આરોપી દ્વારા કોઈ જવાબદારી ન સ્વીકારાતા આખરે પીડિત મહિલાએ શૈલેષ વિરુદ્ધ દુષ્કર્મની સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. આરોપી શૈલેષ માકાસણાની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી, પરંતુ પોલીસ દ્વારા ગુનો નોંધીને તેને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. મોરબી સિટીમાં બનેલી આ ઘટના હાલ સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની છે.અગાઉ તેમના વિલામાંથી મોટું જુગારધામ પકડાયું હતું તાજેતરમાં જ મહિલા કોર્પોરેટરના પતિના વિલામાં જુગારકાંડ પણ સામે આવ્યું હતું. ટંકારા તાલુકાના સજ્જનપર ઘુનડા ગામની સીમમાં આવેલ શ્યામવિલામાં શૈલેષભાઇ લક્ષ્મણભાઇ માકાસણાના બંગલા નંબર 3મા કચ્છ બોર્ડર રેન્જ આઈજીની ટીમે દરોડો પાડી 9 જુગારીઓને રૂ. 44.76 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. આ બનાવ બાદ ફરી થોડા જ દિવસોમાં મહિલા કોર્પોરેટરના પતિ વિવાદમાં આવ્યા છે. #MorbiUpdate #MorbiNews #CrimeNews #MorbiPolice #GujaratNews #MorbiCity