પોલીસ અધિક્ષકની સૂચનાથી શહેરના વિવિધ મુખ્ય માર્ગો પર વાહનચાલકોને બેનર અને સંકલ્પ પત્ર થકી નિયમોનું પાલન કરવા અપીલ કરાઈમોરબી અપડેટ: મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ, શહેરમાં વાહનચાલકો ટ્રાફિકના નિયમો બાબતે વધુ જાગૃત બને અને નિયમોનું ચુસ્તપણે પાલન કરે તે હેતુથી એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ મોરબી B.A.P.S. સ્વામિનારાયણ મંદિરના વિદ્યાર્થીઓના સંકલનથી શહેરના અલગ અલગ મુખ્ય પોઇન્ટ પર ટ્રાફિક અવેરનેસ (જાગૃતિ) નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ અભિયાન અંતર્ગત ટ્રાફિક પોલીસ જવાનો અને B.A.P.S. ના સ્વયંસેવકો દ્વારા શહેરના વ્યસ્ત માર્ગો પર ઊભા રહીને વાહનચાલકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. લોકોમાં જાગૃતિ લાવવા માટે 'ઝડપની મજા, મોતની સજા' અને 'ધીમી ગતિથી ઘરે પહોંચો' જેવા સ્લોગન લખેલા બેનરો પ્રદર્શિત કરી વાહનચાલકોને સમજ આપવામાં આવી હતી.આ ઉપરાંત, વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું શિસ્તપૂર્વક પાલન કરવા, હંમેશા હેલ્મેટ અને સીટ બેલ્ટનો ઉપયોગ કરવા, મર્યાદિત ઝડપે વાહન ચલાવવા અને વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ ટાળવા માટે અપીલ કરતો એક 'સંકલ્પ પત્ર' પણ આપવામાં આવ્યો હતો. તેમજ લોકોને આ જાગૃતિ અભિયાનમાં જોડાઈ સુરક્ષિત ડ્રાઇવિંગ કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.#Morbi #MorbiUpdate #MorbiNews #TrafficAwareness #MorbiPolice #TrafficPolice #BAPS #RoadSafety #SafeDriving