સરકારી ઓઇલ કંપનીના ડિસ્ટ્રીબ્યુટર દ્વારા સિરામિક ઉદ્યોગને બાનમાં લેવા પ્રયાસ : પ્રોપેનની કૃત્રિમ અછત ઉભી થતા અનેક કારખાનામાં કિલન ઠપ્પમોરબી : મંદીનો માર સહન કરી રહેલા મોરબીના સિરામિક ઉદ્યોગ પર એક પછી એક સંકટ આવી રહ્યા છે એક તરફ ડોમેસ્ટિક માર્કેટમાં વ્યાપાર બંધ છે અને એક્સપોર્ટ પણ ઠપ્પ છે તેવામાં બાદ સપ્ટેમ્બર માસમાં પ્રોપેન પૂરો પાડતી સરકારી કંપનીઓએ હવે સિરામિક ઉદ્યોગને બાનમાં લેવા પ્રયાસ કરી અચાનક જ પ્રોપેનની કૃત્રિમ અછત ઉભી કરી દઈ રાતોરાત પ્રતિ ટન પ્રોપેનના ભાવમાં 3700 રૂપિયાનો તોતિંગ ભાવવધારો ઝીકતા સિરામિક ઉદ્યોગકારો સમસમી ઉઠ્યા છે. ચોંકાવનારી બાબત તો એ છે કે, ધરાર ભાવ વધારો કરવા ડિસ્ટ્રીબ્યુટરો દ્વારા સપ્લાય અટકાવી દેવામાં આવતા અનેક સીરામીક એકમોની કિલન બંધ થઈ ગઈ હોવાનું પણ સામે આવ્યું છે.નેચરલ ગેસ અને પ્રોપેન મોરબી સીરામીક ઉદ્યોગની કરોડરજ્જુ અને મહત્વની જરૂરત છે ત્યારે ઈરાન - અમેરિકા યુદ્ધની સીધી અસર રૂપે છેલ્લા ચાર મહિનાથી ગેસના ભાવમાં સતત વધારો થતાં હાલમાં મોરબીના સિરામિક ઉદ્યોગને ગંભીર ફટકો પડયો છે.ગેસના ભાવ વધારા બાદ વર્તમાન સમયમાં સિરામિક ઉદ્યોગ ડોમેસ્ટિક માર્કેટમાં મંદી અને ઇન્ટરનેશનલ માર્કેટમાં જહાજના ઉંચા નૂર ભાડા અને અશાંત સમુદ્રી પરિવહનથી ત્રસ્ત બનતા એક્સપોર્ટ પણ ઠપ્પ થઈ ગયું છે. એવા સમયે જ ચાલુ સપ્ટેમ્બર માસમાં ગુજરાત ગેસ દ્વારા નેચરલ પાઇપલાઇન ગેસના ભાવમાં વધારો કરતા નેચરલ ગેસ હાલમાં 100 રૂપિયાની સપાટી વટાવી ગયો છે. જો કે, નેચરલ ગેસની તુલનાએ પ્રોપેન ગેસ હજુ પણ સસ્તો પડી રહ્યો હોવાથી હાલમાં મોટાભાગના સીરામીક એકમો પ્રોપેન તરફ વળી ગયા છે.જો કે, કપરી સ્થિતિમાં સિરામિક એકમોની નબળાઈ સરકારી ઓઇલ કંપનીઓના ડિસ્ટ્રીબ્યુટર જાણી જતા સપ્ટેમ્બર માસની શરૂઆતમાં છ રૂપિયાનો ભાવ વધારો કર્યા બાદ 10 સપ્ટેમ્બરે ફરી પ્રતિ ટન પ્રોપેનના ભાવમાં રૂ.3700નો ભાવ વધારો ઝીકયો હતો.જો કે, આમ છતાં ગુજરાત ગેસની તુલનાએ પ્રોપેન 15થી 17 રૂપિયા સસ્તો પડતો હોવાનું સરકારી ઓઇલ કંપનીના ગેસ વિક્રેતાઓ જાણી જતા ગઈકાલે સાંજથી પ્રોપેનની કૃત્રિમ અછત ઉભી કરી નાખી શિપ આવી ગયું હોવા છતાં પ્રોપેન નથીનો રાગ આલાપી રાતોરાત રૂપિયા 3700નો ભાવ વધારો કરતા સપ્ટેમ્બર માસમાં જ સિરામિક ઉદ્યોગ પર ત્રીજી વખત ભાવ વધારાનો બોજ પડ્યો છે.હાલમાં ત્રીજી વખત પ્રોપેનનો ભાવ વધતા સપ્ટેમ્બરની શરૂઆતમાં રૂ.91,500 પ્રતિ ટનના ભાવે મળતો પ્રોપેન શનિવારે 3700 રૂપિયાના ભાવ વધારા બાદ 98,750 પ્રતિ ટન પહોંચી ગયો છે.મહત્વનું છે કે, સિરામિક ઉદ્યોગની દુઃખતી રંગ જાણી જનાર સરકારી ઓઇલ કંપની હજુ પણ આગામી બે પાંચ દિવસમાં ફરી એક વખત ભાવ વધારો કરવાના મૂડમાં હોવાના પણ સંકેત મળી રહ્યા છે.પ્રોપેનની કૃત્રિમ અછત સામે ઉદ્યોગકારોએ બાયો ચડાવી, તાકીદની બેઠક પણ યોજાઈમુન્દ્રા, કંડલા, પીપાવાવ સાહિતમાં બંદર પર એલેનજી ટેન્કર આવી ગયા હોવાથી પ્રોપેનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં ગેસ વિક્રેતાઓ દ્વારા સિરામિક ઉદ્યોગને બાનમાં લઈ ગઈકાલથી ખેલ શરૂ કરી સપ્લાય અટકાવી દેતા અનેક કારખાના બંધ કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી.બીજીતરફ ગેસ વિક્રેતાઓની મનમાની સામે સિરામિક ઉદ્યોગકારોની એક તાકીદની બેઠક પણ મળી હતી જેમાં ગેસ ડિલરોને સાફસાફ શબ્દોમાં ગેસ પુરવઠો જાળવી રાખવા તાકીદ કરી અન્યથા ઉદ્યોગના પાટિયા પાડી દેવા સ્પષ્ટ ચીમકી ઉચ્ચારવામા આવતા જ પ્રોપેનના ટેન્કર ફરી શરૂ કરવામાં આવ્યા હોવાનું અને તાત્કાલિક ભાવ વધારો પણ લાગુ કરાયો હોવાનું સામે આવ્યું છે.