મોરબી : મોરબી શહેરના લગધીરપુર રોડ પર ત્રણ દિવસ પૂર્વે સિમ્પોલો સીરામીકના ગોડાઉનથી ઘેર આવી રહેલા યુવાનના એક્ટિવા મોટર સાયકલ સાથે સામેથી રોંગ સાઈડમાં આવતા બાઈક ચાલકે ટક્કર મારતા આ અકસ્માતમાં યુવકને માથાના ભાગે હેમરેજ થવાની સાથે હાથમાં ફ્રેક્ચર અને છોલછાલની ઇજાઓ થતા બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરના વિશિપરામાં આવેલ લાયન્સનગરમાં રહેતા મયુરભાઈ વિનોદભાઈ રાઠોડે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.15ના રોજ તેઓ તેમના મિત્ર સુરેશભાઈના એક્ટિવા મોટર સાયકલમાં લગધીરપુર રોડ પરથી ઘર તરફ આવી રહ્યા હતા ત્યારે સામેથી રોંગ સાઈડમાં આવતા જીજે - 36 - કે - 5464 નંબરના બાઈક ચાલકે સામેથી એક્ટિવાને ટક્કર મારતા ફરિયાદી મયુરભાઈને માથામાં હેમરેજ થવાની સાથે હાથમાં ફ્રેક્ચર અને છોલછાલ સહિતની ઇજાઓ થઈ હતી.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.