કારના હપ્તાની રકમ બેન્ક ખાતામાં જમા ન થતા ગુગલના એક્સીસ બેંકના કસ્ટમર કેર નંબર શોધી ફોન કરવો ભારે પડ્યોમોરબી : આજના સમયમાં ચબરાક સાયબર ગઠિયા સામાન્ય માણસોને યેનકેન પ્રકારે નિશાન બનાવી શિકાર બનાવી રહ્યા છે તેવામાં મોરબી શહેર પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કર્મી પણ સાયબર ગઠિયાના શિકાર થયાની ઘટના સામે આવી છે. પોલીસ કર્મીએ લીધેલી કારનો હપ્તો ભરવા માટે બેન્ક એકાઉન્ટમાંથી નાણાં ટ્રાન્સફર કરતા આ નાણાં બેન્ક એકાઉન્ટમાં જમા ન થતા ગુગલમાંથી એક્સીસ બેંકના કસ્ટમર નંબર સર્ચ કરી ફોન કરતા જ પોલીસમેનના ખાતામાંથી રૂ.94,678 રૂપિયા ઉપડી જતા બનાવ અંગે ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેર પોલીસમાં ફરજ બજવતા અને ત્રાજપર રોડ પર રોયલપાર્કમાં રહેતા આનંદકુમાર ખીમજીભાઈ દેગામા ઉ.33એ મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેત કર્યું હતું કે, તેમને લોન પર લીધેલી કારનો હપ્તો દર મહિનાની 5 તારીખે આવતો હોવાથી રૂ.15 હજાર સ્ટેટબેન્કના એકાઉન્ટમાંથી પોતાના એક્સીસ બેંકના પગાર એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા.પરંતુ 24 કલાકનો સમય વીતવા છતાં એક્સીસ બેંકના ખાતામાં પૈસા જમા ન થતા તેમને ગુગલમાંથી એક્સીસ બેંકના કસ્ટમર કેર નંબર શોધી મોબાઈલ નંબર 9153975193 પર ફોન કર્યો હતો.દરમિયાન ગૂગલ પર શોધેલા નંબર પર ફોન કરતા અજાણ્યા આરોપીએ ફોન રિસીવ કરી માહિતી મેળવી લઈ આનંદકુમાર દેગામાં સાથે વોટ્સએપ કોલમાં વાત કરવાનું કહી મોબાઈલ નંબર 8200847928 પરથી વોટ્સએપ કોલ કરી ચાલુ ફોનમાં પોતાનો ચહેરો છુપાવી પ્રોસેસ કરાવી ફોન કાપી નાખ્યો હતો.બાદમાં થોડા સમયમાં જ આનંદકુમારના બેન્ક એકાઉન્ટમાંથી બે અલગ અલગ ટ્રાન્ઝેક્શન કરી આરોપીએ રૂ.94,678 કેનેરા બેંકના આસામ રાજ્યના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લેતા પોલીસમેન આનંદકુમારને પોતે સાયબર ફ્રોડનો શિકાર બન્યાનો અહેસાસ થતા જ તુરત સાયબર ક્રાઈમ હેલ્પલાઈનમાં ફરિયાદ કરતા એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.