વર્ષ 2006થી શરૂ થયેલી પરંપરા: કોરોનાકાળમાં પણ અવિરત ભક્તિ સાથે દુંદાળા દેવનું ભવ્ય પૂજન-અર્ચનમોરબી અપડેટ : મોરબીના પરાબજાર મેઇન રોડ પર ત્રિકોણ બાગ પાસે રહેતા મોહિતભાઈ ભરતભાઈ રાવલ (કાર્તિક) અને તેમના પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 'ઘર ગણેશ' મહાઉત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ભક્તોના વિઘ્ન હરનારા અને સુખકર્તા શ્રી ગણપતિ ગજાનંદનું ભવ્ય સ્વાગત કરી ભાવભેર પૂજન-અર્ચન કરવામાં આવી રહ્યું છે.આજથી 20 વર્ષ પહેલાં એટલે કે સાલ 2006માં જ્યારે મોરબીમાં ગણેશ ઉત્સવનું આયોજન આંગળીના વેઢે ગણી શકાય તેટલું જૂજ થતું હતું, ત્યારે રાવલ પરિવારે ઘર ગણેશની સ્થાપના કરી એક નવી પરંપરાનો ઉદય કર્યો હતો. ગણપતિ દાદાના આશીર્વાદથી આ આયોજને સફળતાપૂર્વક 20 વર્ષ પૂર્ણ કરી 21માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. વિશેષ વાત એ છે કે કોરોનાકાળ જેવા વિપરીત અને મુશ્કેલ સમયમાં પણ આ પરિવારે ગણેશ ઉત્સવની પરંપરાને અખંડ જાળવી રાખી હતી.મૂળ મહારાષ્ટ્રનો આ તહેવાર હવે ગુજરાતમાં પણ ધામધૂમથી ઉજવાય છે, ત્યારે રાવલ પરિવાર દ્વારા ગણપતિ દાદા પાસે સૌના સ્વાસ્થ્ય, કલ્યાણ, સકલ મનોરથ પૂર્ણ થવા અને વૈશ્વિક શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. ગણેશજીનું સ્વરૂપ આપણને ઘણું શીખવે છે; તેમની ઝીણી આંખો ભક્તના છુપાયેલા દુઃખ દર્દને જોઈ શકે છે, મોટા કાન ભક્તોની વાત સાંભળી શકે છે, મોટું પેટ ભક્તોની વાતને પોતાના સુધી પચાવી શકે છે અને તેમની ચાર ભુજાઓ હંમેશા ભક્તોના કલ્યાણ અને સહાય માટે તત્પર રહે છે. #Morbi #MorbiUpdate #MorbiNews #GaneshMahotsav #GharGanesh #GanpatiBappa #ParaBazar #MorbiCity