નાની વાવડી ગામના સર્વે નંબર ૫૧૬ ની જમીન ખાલી કરવા આપવામાં આવેલ કારણદર્શક નોટિસ રદ : સ્પેશિયલ મામલતદારના અગાઉના હુકમ અને નમૂના-૧૨ ના પ્રમાણપત્ર મુજબ રેવન્યુ રેકર્ડમાં અમલવારી કરવા આદેશ અપાયો મોરબી: મોરબી શહેરની હદમાં આવી ગયેલા નાની વાવડી ગામના રેવન્યુ સર્વે નંબર ૫૧૬ ની શિવ મંદિરના દિવેલીયા પ્રકારની હેક્ટર ૧-૨૮-૪૯ જમીનને લઈ લાંબા સમયથી ચાલી રહેલા વિવાદમાં મોરબી કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ સ્વપ્નિલ ખરેએ એક મહત્વપૂર્ણ ચુકાદો આપી અગાઉ કલેકટર કચેરી દ્વારા જ આપવામાં આવેલ સૌરાષ્ટ્ર બારખલી નાબૂદી અધિનિયમ, ૧૯૫૧ ની કલમ-૩૮ હેઠળ જમીન ખાલી કરાવાની કારણદર્શક નોટિસ સત્તાવાર રીતે પરત ખેંચી લઈ વર્ષ 1969થી આ જમીન જેમના નામે ચાલતી હતી તેવા મૂળ ખાતેદારોના નામે વારસાઈ નોંધ પાડી આપવા મામલતદારને હુકમ કરી વારસાઈ નોંધ સામે વાંધો લેનાર આસામીઓની તકરારી નોંધમાં વારસાઈ નોંધ રદ કર્યા બાદ કલમ 38 અંગે ની કાર્યવાહી હાથ ધરી હતી પરંતુ ખેડૂત દ્વારા સચોટ દલીલો અને પુરાવાઓ રજૂ કરતા આ મહત્વના કેસમાં કલેકટર તંત્રએ ફટકારેલી નોટિસ પરત ખેંચવા હુકમ કરી જમીન મૂળ ખેડૂતના નામે કરવા આદેશ કર્યો હતો.આ કેસની વિગત જોઈએ તો મોરબી તાલુકાના નાની વાવડી ગામના રેવન્યુ સર્વે નંબર ૫૧૬ ની જમીન વર્ષોથી મૂળ ખાતેદાર ગંગારામભાઈ રતાભાઈ ખેડતા હતા અને વર્ષ 1952માં આ જમીનનો હક્ક મેળવવા માટે બારખલી એબોલીશન એક્ટ અન્વયે કાર્યવાહી કરતા સ્પેશિયલ મામલતદાર કૃષિપંચ દ્વારા કેસ નંબર 271-1952થી ગુજરનાર ગંગારામભાઈ રતાભાઈના નામે કરી આપતા ગામ દફ્તરે ખાતા નંબર ૧૯ હેઠળ જમીન ચાલતી હતી. જેમાં ગંગારામભાઈનું અવસાન થતાં તેમના વારસદાર જયંતીલાલ શિવલાલ પડસુંબિયા સહિતના 27 વારસદારોએ વારસાઈ નોંધ દાખલ કરવા માટે અરજી કરવામાં આવી હતી. જો કે, આ નોંધ સામે જલ્પેશગીરી મનહરગીરી ગૌસ્વામી અને રવીન્દ્રગીરી રમેશગીરી ગૌસ્વામી દ્વારા વાંધો ઉઠાવવામાં આવતા મામલો તકરારી રજિસ્ટરે લીધા બાદ નાયબ કલેક્ટર દ્વારા વારસાઈ નોંધ નામંજૂર કરવામાં આવી હતી.ત્યારબાદ આ મામલે કલેક્ટર સમક્ષ અપીલ કરવામાં આવતા સૌરાષ્ટ્ર બારખલી નાબૂદી અધિનિયમ, ૧૯૫૧ ની કલમ-૩૮ હેઠળ સુઓમોટો કાર્યવાહી કરી આ જમીન ખાલી કરાવવા અંગેની સંક્ષિપ્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને સામાવાળાઓને કારણદર્શક નોટિસ ઇસ્યુ કરી જમીન ખાલી કરાવવા કારણદર્શક નોટિસ ફટકરાવામાં આવી હતી. આ ચકચારી કેસમાં જલ્પેશગીરી મનહરગીરી ગૌસ્વામી અને રવીન્દ્રગીરી રમેશગીરી ગૌસ્વામીએ આ જમીન મૂળ શિવમંદિરના નામે દિવેલીયા પ્રકારની હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. કેસની સુનાવણી દરમિયાન જિલ્લા કલેકટરે નોંધ્યું હતું કે, તત્કાલીન સમયમાં સ્પેશિયલ મામલતદાર કૃષિપંચ સમક્ષ કેસ ચાલેલો હતો અને ગંગારામ રતાની તરફેણમાં કાયમી કબજા હકક અંગે નમૂના-૧૨ નું પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવ્યું હતું. છતાં પણ આ બાબતે જે તે સમયે કોઈ અપીલ કરવામાં આવી ન હતી. આ સંજોગોમાં હવે આ જમીન માટે બારખલી નાબૂદી અધિનિયમની કલમ-૩૮ હેઠળ કાર્યવાહી કરવાનું કોઈ ઔચિત્ય રહેતું ન હોય જિલ્લા કલેક્ટરે કારણદર્શક નોટિસ રદ કરી મામલતદાર, મોરબી ગ્રામ્યને અગાઉના કેસ નંબર ૨૭૧ ની વિગતો મુજબ ગંગારામ રતાના નામે ઇસ્યુ થયેલ કબજા હકક પ્રમાણપત્રના આધારે રેવન્યુ રેકર્ડમાં ઘોરણસરની નોંધ કરી યોગ્ય અમલવારી કરે. રેકર્ડમાં અમલ થયા બાદ વારસાઈ નોંધ કરવા આદેશ આપ્યો હતો. કલમ 38 અંગેની કાર્યવાહીના આ કેસમાંમાં અરજદાર પડસુંબિયા પરિવાર તરફે વકીલ તરીકે ધર્મેન્દ્ર એન. બારેજીયા રોકાયેલ હતા.