બસમાં દરરોજ 80 લોકો મુસાફરી કરવા મજબુર : મિતાણા, છતર, પ્રભુનગર સહિતના ગામના વિદ્યાર્થીઓને ભારે હાલાકીમોરબી અપડેટ: ટંકારા તાલુકાના મિતાણા, છતર, પ્રભુનગર અને નેકનામ સહિતના ગામોમાંથી દરરોજ અપ-ડાઉન કરતા વિદ્યાર્થીઓને એસટી બસની અનિયમિતતા અને ભારે ભીડને કારણે મુશ્કેલી પડી રહી છે. નવી બસ માટે રજૂઆત કરવા છતાં એસટી તંત્ર દ્વારા કોઈ ઉકેલ ન લાવવામાં આવતા રોષ જોવા મળી રહ્યો છે.સ્થાનિક દુકાનદાર રાજેશભાઈ બોરીચાના જણાવ્યા મુજબ, સવારે 6:30 વાગ્યાની આસપાસ રાજકોટ ડેપોની રાજકોટ-નવલખી લોકલ બસ મિતાણા આવે છે. આ બસમાં મિતાણા, છતર, પ્રભુનગર અને નેકનામના અંદાજિત 30 જેટલા વિદ્યાર્થીઓ દરરોજ અપ-ડાઉન કરે છે. પરંતુ આ બસમાં રોજ 80 થી 90 જેટલા લોકો મુસાફરી કરે છે. બસ આખી ભરેલી હોવાથી અને જગ્યા જ ન હોવાથી હરીપર અને હરબટીયાળી ગામે તો બસ ઊભી પણ રાખવામાં આવતી નથી.બસમાં ભારે ભીડ હોવાને કારણે દરરોજ 5 થી 6 જેટલા વિદ્યાર્થીઓ રઝળી પડે છે. બસ છૂટી જતી હોવાથી વિદ્યાર્થીઓ પાસે એસટીનો પાસ હોવા છતાં ફરજિયાતપણે પૈસા આપીને મુસાફરી કરવી પડે છે. આ ઉપરાંત સવારે 7:15 વાગ્યાની આસપાસ બીજી બસ આવે છે, પરંતુ આ બસનું પણ કોઈ નક્કી હોતું નથી. મહિનામાં 15 દિવસ તો આ બસ કેન્સલ હોવા અંગે જણાવાયું છે.વિદ્યાર્થીઓને પડતી આ હાલાકી અંગે એસટી તંત્રમાં નવી બસ માટે અરજી કરવામાં આવી હતી. તે સમયે તંત્ર દ્વારા જરૂરી કાગળિયા પૂરા કરવા જણાવવામાં આવ્યું હતું. માંગ્યા મુજબના કાગળિયા પૂર્ણ કરીને આપવા છતાં હજુ સુધી તંત્ર દ્વારા નવી બસ મુકવામાં આવી નથી. ત્યારે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવી નવી વિદ્યાર્થી બસ ફાળવવામાં આવે તેવી માંગ ઉઠી છે.#Miyana #Tankara #MorbiUpdate #GSRTC #StudentProblem #GujaratSTBus #MorbiNews #RajkotNavlakhiBus #PublicIssue