ખરાબ રોડ, ગેસ લાઇનનું ખોદાણ અને પાણીની પાઇપલાઇનના ખાડાઓને કારણે અકસ્માતોની હારમાળા: વહેલી તકે કામ ચાલુ કરવા કાર્યપાલક ઈજનેરને પત્રમોરબી અપડેટ : મોરબી તાલુકાના ગોર ખીજડીયાના પાટિયાથી નારણકા સુધીનો ડામર રોડ અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. ખરાબ રસ્તાના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે માનસર ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા કાર્યપાલક ઈજનેર (બાંધકામ શાખા), મોરબીને લેખિત રજૂઆત કરી તાત્કાલિક રોડનું કામ શરૂ કરવાની માંગ કરવામાં આવી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, માનસર ગ્રામ પંચાયતના સરપંચ જીતેન્દ્ર પી. હોરીયા દ્વારા 17 સપ્ટેમ્બર 2026 ના રોજ બાંધકામ શાખાના કાર્યપાલક ઈજનેરને એક પત્ર લખવામાં આવ્યો છે. પત્રમાં સ્પષ્ટ જણાવાયું છે કે, ગોર ખીજડીયાના પાટિયાથી નારણકા સુધીનો ડામર રોડ અત્યંત ખરાબ હાલતમાં હોવાથી લોકો માટે રસ્તા પર ચાલવું મુશ્કેલ બની ગયું છે અને વારંવાર નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે.રજૂઆતમાં વધુમાં જણાવ્યા મુજબ, રોડની એકદમ બાજુમાં ગેસની લાઇન નાખવામાં આવી છે, પરંતુ ખાડાઓ પૂર્યા બાદ યોગ્ય રીતે પેચવર્ક ન થતાં વારંવાર ભારે વાહનો ફસાઈ જવાની ઘટનાઓ બને છે. આ ઉપરાંત, વનાળિયાથી માનસર વચ્ચે ખેડૂતોએ પાણીની પાઈપલાઈન નાખેલ હોવાથી રસ્તા પર મોટા ખાડા પડી ગયા છે. આ ખાડાઓને કારણે રાત્રિના સમયે બાઈક ચાલકો પડી જવાના અનેક બનાવો સામે આવી રહ્યા છે, જે ગંભીર જાનહાનિ નોતરી શકે તેમ છે.આ તમામ વિકટ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને માનસર ગ્રામ પંચાયત દ્વારા ગોર ખીજડીયાથી નારણકા સુધીના રોડનું કામ તાત્કાલિક ચાલુ કરવામાં આવે તેવી ઉગ્ર માંગણી કરવામાં આવી છે. આ સમસ્યાનો સત્વરે ઉકેલ આવે તે માટે રજૂઆતની નકલ મોરબી કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને પણ મોકલી આપવામાં આવી છે.#Morbi #MansarGramPanchayat #RoadIssue #GorKhijadiya #Naranka #PublicIssue #MorbiNews #MorbiUpdates #RoadSafety