ન્યુઝીલેન્ડમાં મોરબીની વિટ્રિફાઇડ ટાઈલ્સની ભારે ડિમાન્ડ : અત્યાર સુધી સીમિત રહેલા એક્સપોર્ટને વેગ મળશે મોરબી : ન્યૂઝીલેન્ડ સરકારે ભારત સાથેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને બહુમતીથી મંજૂરી આપી છે, આ ઐતિહાસિક કરારથી ભારતીય નિકાસકારોને મોટો ફાયદો થશે, ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે મુક્ત વ્યાપાર કરારને પગલે ભારતથી ન્યૂઝીલેન્ડ જતા તમામ સામાનને 100 ટકા ડ્યુટી-ફ્રી એન્ટ્રી મળશે. આ ઉપરાંત, ન્યૂઝીલેન્ડથી ભારત આવતી 95 ટકા નિકાસ પરનો ટેક્સ પણ ઘટશે. ન્યુઝીલેન્ડ સરકારના આ પગલાંથી મોરબીનો સીરામીક ઉદ્યોગમાં પણ ખુશી જોવા મળી રહી છે અને આગામી સમયમાં ન્યુઝીલેન્ડમાં એક્સપોર્ટ વધવાની આશા છે.ન્યૂઝીલેન્ડની સંસદે બુધવારે ભારત સાથેના ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટને લાગુ કરતા કાયદાને બહુમતીથી પસાર કરી દીધો છે. આ ઐતિહાસિક કરાર અંતર્ગત ભારતથી ન્યૂઝીલેન્ડ મોકલવામાં આવતા તમામ સામાનને 100 ટકા ડ્યુટી-ફ્રી એન્ટ્રી મળશે, ભારત ન્યુઝીલેન્ડ મુક્ત વ્યાપાર કરારને પગલે મોરબીથી નિકાસ થતી સીરામીક ટાઇલ્સનો વ્યાપાર વધવાની આશા છે. મહત્વનું છે કે, મોરબીમાં બનતી વિટ્રિફાઇડ ટાઈલ્સની ન્યુઝીલેન્ડમાં ખુબ જ મોટી ડિમાન્ડ છે. જેમાં હવે ડ્યુટી ફ્રી એન્ટ્રી થવાથી વિટ્રિફાઇડ ટાઇલ્સ ઉપરાંત મોરબી સીરામીક ક્લસ્ટરની અન્ય પ્રોડક્ટ પણ ન્યુઝીલેન્ડમાં ધૂમ મચાવશે.ઉલ્લેખનીય છે કે,અત્યાર સુધી ન્યૂઝીલેન્ડની માર્કેટમાં ચાઈના મેઇડ સીરામીક પ્રોડક્ટ્સની બોલબાલા રહી છે પરંતુ હવે ભારતમાં અને ખાસ કરીને મોરબી સીરામીક ક્લસ્ટરમાં નિર્મિત ટાઇલ્સ પ્રોડ્કટને મુક્ત વ્યાપાર કરાર અંતર્ગત ન્યુઝીલેન્ડમાં એન્ટ્રી મળવાથી ચાઈના સાથેની ભાવની હરીફાઈમાં પણ મોરબીનો ઉદ્યોગ ટક્કર મારશે,ઉલ્લેખનીય છે કે, મોરબી સીરામીક ક્લસ્ટરમાંથી વર્ષ 2024-25માં ન્યુઝીલેન્ડ ખાતે અંદાજે 43 કરોડની ટાઇલ્સ એક્સપોર્ટ કરવામાં આવી હતી.આ સંજોગોમાં હવે કસ્ટમ ડ્યુટી શૂન્ય થવાથી ન્યુઝીલેન્ડમાં થતા એક્સપોર્ટમાં ઉછાળો આવે તેમ હોવાનું નિકાસ કરતા વેપારીઓ જણાવી રહ્યા છે.ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી એક્સપોર્ટ વધશે : કપેકસીએલ ચેરમેન ન્યુઝીલેન્ડ સરકારે ભારત સાથે મુક્ત વ્યાપાર કરવાથી મોરબીના સીરામીક ઉદ્યોગને મોટો ફાયદો મળવાની આશા વ્યક્ત કરતા કેપેક્સીએલ ચેરમેન અને અગ્રણી નિકાસકાર નિલેશ જેતપરીયાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી ન્યુઝીલેન્ડ સાથે મોરબીનો સીરામીક વ્યાપાર સીમિત રહ્યો છે, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અગાઉ મોરબીથી દર મહિને અંદાજે ત્રણથી સાડા ત્રણ કરોડની ટાઈલ્સની નિકાસ થતી હતી જે આગામી સમયેમાં એફટીએ લાગુ થયા બાદ વધવાની આશા છે. હાલમાં ન્યુઝીલેન્ડમાં મોરબીની વિટ્રિફાઇડ ટાઈલ્સની ભારે ડિમાન્ડ હોવાનું તેમને જણાવ્યું હતું.