રવાપર-જડેશ્વર રોડના કામમાં સેન્ટર લાઈનથી સમાન ડિમોલિશન ન થતું હોવાની રાવ: માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ પર વ્હાલા-દવલાની નીતિનો ગ્રામજનોનો આરોપમોરબી અપડેટ : મોરબી તાલુકાના ધૂનડા (સજનપર) ગામમાંથી પસાર થતા રવાપર-જડેશ્વર રોડના કામમાં ડિમોલિશન બાબતે વિવાદ સામે આવ્યો છે. ગ્રામજનોએ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે કે તેઓ ડિમોલિશનની કામગીરીમાં ભારે ભેદભાવ રાખી રહ્યા છે.ધૂનડા ગામના રહીશ પ્રભુભાઈ વાલજીભાઈ રંગપડીયા અને અન્ય ગ્રામજનો દ્વારા 15/09/2026 ના રોજ મોરબી માર્ગ અને મકાન વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયરને એક લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં જણાવાયું છે કે, ખરેખર તો ગામની વચ્ચેથી નીકળતા રોડના બદલે બાયપાસ કરીને ગામની બહારથી રોડ બનાવવાની જરૂરિયાત હતી. આમ છતાં ગામની વચ્ચેથી રોડનું કામ ચાલી રહ્યું છે અને તેમાં ડિમોલિશન બાબતે ખુબ જ ભેદભાવ ચાલી રહ્યો છે.ગ્રામજનોની ફરિયાદ છે કે પ્રથમ સર્વે મુજબ જે જગ્યાએથી સેન્ટર લાઈન નક્કી થઈ હતી, ત્યાં બંને બાજુએથી સરખા ભાગે ડિમોલિશન કરવાનું હતું. તેની જગ્યાએ હાલમાં એક સાઈડમાં વધુ અને સામેની સાઈડમાં ઓછું ડિમોલિશન કરવામાં આવી રહ્યું હોવાનો સ્પષ્ટ આક્ષેપ પત્રમાં કરાયો છે.આ બાબતને 15 દિવસ પહેલા પ્રેસ મીડિયાના માધ્યમથી પણ ઉજાગર કરવામાં આવી હતી. છતાં તંત્ર દ્વારા કોઈ નિરાકરણ ન આવતા હવે 1 સપ્તાહની અંદર તેમની માંગણી સ્વીકારવામાં નહિ આવે, તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. આ રજૂઆતની નકલ મોરબી કલેક્ટર, ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અને મોરબી માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી એન્જિનિયરને પણ મોકલેલ છે.#Morbi #MorbiUpdate #Ghunda #RoadDemolition #RandBDepartment #Protest #GujaratNews