મહેસાણાથી ત્રણેય ઠગની ધરપકડ કરતી મોરબી સાયબર ક્રાઇમ ટીમ : રૂ. 61 લાખ રિકવર કરાયામોરબી અપડેટ : મોરબી શહેરમાં શેરબજારમાં ઉંચા નફાની લાલચ આપી ઠગ ટોળકીએ મોરબીના સિરામિક ટ્રેડર્સના પુત્ર સાથે રૂ.86.25 લાખની ઠગાઈ કરી હતી. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ ટીમે ગુનો નોંધી તપાસનો ધમધમાટ ચલાવી ઠગ ટોળકીના ત્રણ સભ્યોને દબોચી લઈ તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત આરોપીઓ પાસેથી રૂ.61 લાખ રિકવર પણ કરવામાં આવ્યા છે. કેવી રીતે આચરી છેતરપિંડી? મોરબી શહેરમાં ઉમા ટાઉનશીપમાં ગુંજન હોમ્સમાં રહેતા અને ટીંબડી નજીક ટાઇલ્સ અને માર્બલનો વેપાર કરતા સીતારામ એન્ટરપ્રાઇઝના માલિક ભરતભાઇ ખીમજીભાઈ વરમોરા ઉ.45 નામના વેપારીના પુત્ર પલ્લવને આરોપીઓ દ્વારા ફોન કરી સ્ટોક માર્કેટમાં રોકાણ કરી મોટા આર્થિક ફાયદા થવાની અલગ અલગ સ્કીમો અંગે માહિતી આપી જાળમાં ફસાવવામાં આવ્યો હતો. મે-જુન 2026 ના માસમાં અલગ અલગ તારીખે બેન્ક તથા આંગડિયા પેઢી મારફતે સ્ટોક માર્કેટમાં રોકાણ માટે યુવાને આરોપીઓને કુલ રૂ. 86,25,950 જેટલી રકમ ટ્રાન્સફર કરી હતી. ત્યારબાદ આ રકમ આરોપીઓ ઓળવી ગયા હતા અને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં ફરિયાદીએ સરકારની સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નં. 1930 ઉપર ફોન કરી ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરાઈ હતી.મોરબી સાયબર ક્રાઇમને મળી સફળતા આ ગુનામાં પોલીસ ઇન્સ્પેક્ટર તથા સાયબર ટીમ દ્વારા ટેકનિકલ માધ્યમ અને હ્યુમન સોર્સિસથી તપાસ શરૂ કરાઈ હતી. તપાસમાં આરોપીઓ મહેસાણા જિલ્લાના હોવાનું ખૂલતાં એક ટીમને મહેસાણા રવાના કરવામાં આવી હતી. આ ટીમે ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓની અટકાયત કરી છેતરપિંડીમાં ગયેલી રકમ પૈકી રૂ. 61,00,000 ની માતબર રકમ રિકવર કરી છે. આમ ગણતરીના દિવસોમાં મોરબી સાયબર ક્રાઇમ ટીમને આરોપીઓને પકડી પાડવામાં મોટી સફળતા મળી છે.પકડાયેલા આરોપીઓના નામ:● નીતિન બળદેવભાઈ રબારી (ઉ.વ. 25, રહે. કમાલપુર, તા. વિજાપુર, જિ. મહેસાણા)● ભલાભાઈ લાલાભાઈ રબારી (ઉ.વ. 49, રહે. કમાલપુર, તા. વિજાપુર, જિ. મહેસાણા)● કશ્યપજી ઉર્ફે ચકો અમરશીજી ઠાકોર (ઉ.વ. 26, રહે. હિરાપુરા (નળુ), તા. ખેરાલુ, જિ. મહેસાણા)આરોપીઓની મોડસ ઓપરેન્ડીઆ ગેંગના સભ્યો નવયુવાનોને ફોન કરી સ્ટોક માર્કેટમાં રોકાણ કરવાની સ્કીમો બતાવી, મોટા આર્થિક ફાયદા થવાના દિવાસ્વપ્ન બતાવી ફસાવતા હતા. ત્યારબાદ આરોપીઓ દ્વારા મોટી રકમનું અલગ અલગ બેન્ક એકાઉન્ટ, UPI ID તથા આંગડિયા પેઢી મારફતે ટ્રાન્ઝેક્શન કરાવી ઠગાઈ આચરવામાં આવતી હતી.પોલીસનો પ્રજા જોગ સંદેશકોઈપણ અજાણ્યા ફોન, ઈ-મેઈલ કે સોશિયલ મીડિયા ઉપરથી આવતી સ્ટોક માર્કેટ, IPO કે એકના ડબલ વાળી લોભામણી સ્કીમોની લાલચમાં આવવું નહીં. આવી કોઈ સ્કીમમાં રોકાણ કરવાને બદલે સરકાર માન્ય બ્રોકરેજ ફર્મમાં જ રોકાણ કરવું હિતાવહ છે.#MorbiUpdate #MorbiNews #MorbiCyberCrime #StockMarketFraud #GujaratPolice #CyberSecurity #FakeInvestment #CrimeNews