કરોડોનો ખર્ચ પાણીમાં : સામાન્ય વરસાદમાં ઠેર-ઠેર ખાડાથી લોકો પરેશાન, મોટાભાગના રસ્તાઓ મગરની પીઠ માફક બન્યા મોરબી અપડેટ : મોરબી શહેરમાં બે દિવસ દરમિયાન ધીમી ધારે પડેલા માત્ર 2 થી 2.5 ઇંચ જેટલા સામાન્ય વરસાદમાં જ મહાનગરપાલિકાના પ્રિ-મોન્સુન અને રોડ રિપેરીંગના દાવાઓની પોલ ખુલી ગઈ છે. મહાપાલિકા દ્વારા રસ્તાઓના ખાડા પૂરવા પાછળ પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા ખર્ચીને આશરે 240 ટ્રક જેટલું વેટમિક્સ અને કપચી ઠાલવવામાં આવી હતી. જો કે આ કામગીરી થુંકના સાંધા જેવી સાબિત થઈ છે. સામાન્ય વરસાદમાં જ વેટમિક્સ અને કપચી ધોવાઈ જતા ફરી ઠેક-ઠેકાણે ખાડા રાજ થઈ ગયું છે.શહેરના સામાકાંઠાથી લઈને છેવાડાના વિસ્તારો સુધી તમામ મુખ્ય અને આંતરિક માર્ગો ખાડાગ્રસ્ત બન્યા છે. સામાકાંઠે નજરબાગ ફાટકથી ભડીયાદ રોડ સુધી તેમજ વિસીપરા મેઈન રોડ પર ઠેર-ઠેર ખાડાઓનું સામ્રાજ્ય ફેલાયું છે. આ ઉપરાંત આસ્વાદ પાનથી પંચાસર રોડ તરફ જતો મહેન્દ્રપરા મેઈન રોડ, જેલ ચોકથી લીલાપર ગામ સુધીનો રોડ અને કન્યા છાત્રાલયથી બાયપાસ સુધીના માર્ગો પર ચાલવું પણ મુશ્કેલ બન્યું છે. શહેરમાંથી પસાર થતાં રાજકોટ-મોરબી હાઇવે પર નવલખી ફાટક ઓવરબ્રિજ ઉતરતાં વાવડી ચોકડીથી લઈને વીરપર અને ટંકારા તરફના રસ્તાઓ પણ ખાડાઓથી ખદબદી રહ્યા છે, જેના કારણે વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે.અગાઉ કારોબારી બેઠકમાં વેટ મિક્સ નાખવા મામલે પ્રતિ ટન 1700 રૂપિયાનો ભાવ અને ત્યારબાદ 789 રૂપિયા નક્કી કરવામાં પણ ભારે વિવાદ થયો હતો, જેમાં કારોબારીના 5 સભ્યોએ વિરોધ પણ નોંધાવ્યો હતો. આટલા વિવાદો અને કરોડોના આંધણ વચ્ચે શહેરમાં નાખવામાં આવેલું વેટમિક્સ સામાન્ય વરસાદમાં જ ધોવાઈ જતાં કરોડો રૂપિયા પાણીમાં વહી ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. પ્રજાના પરસેવાની કમાણીના ટેક્સમાંથી ચૂકવાતા નાણાં માત્ર કાગળ પર કામ બતાવવા અને મળતિયાઓને ફાયદો કરાવવા માટે વપરાતા હોવાનો ગણગણાટ શરૂ થયો છે. જો તંત્ર દ્વારા કામચલાઉ લીપાપોતી બંધ કરીને ખાડાઓનું કાયમી અને ગુણવત્તાયુક્ત ડામર-સીસી રોડથી પુરાણ કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં નાગરિકોનો આક્રોશ ફરી આંદોલનનું રૂપ ધારણ કરે તેવી પૂરી શક્યતા છે.________________કન્યા છાત્રાલય_______________લીલાપર રોડ_______________________________મહેન્દ્રપરા મેઈન રોડ________________________________પરા બજાર મેઈન રોડ_____________________________વીસી પરા