વેણાસર અને ખેવારીયા રૂટની બસોની અનિયમિતતાને લઈ રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ પર પોણા કલાક સુધી બસો થોભાવી દીધીમોરબી અપડેટ : મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાંથી અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓની મુશ્કેલીઓનો અંત આવતો નથી. વેણાસર અને ખેવારિયા-બરવાળા રૂટ પર દોડતી એસટી બસો છેલ્લા ઘણા સમયથી અનિયમિત હોવાના કારણે આજે વિદ્યાર્થીઓનો રોષ ફાટી નીકળ્યો હતો. રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ મોરબી નવા બસ સ્ટેન્ડ ખાતે ચક્કાજામ કર્યો હતો. વિદ્યાર્થીઓએ બસ સ્ટેન્ડના બંને રસ્તા બ્લોક કરી દેતા એસટી બસોની અવરજવર થંભી ગઈ હતી. જો કે એસટીના અધિકારીએ 2 દિવસમાં પ્રશ્નનું નિરાકરણ કરવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો અને પોણા કલાક બાદ ચક્કાજામ હટ્યો હતો. વિદ્યાર્થીઓએ વ્યથા રજૂ કરતા જણાવ્યું હતું કે, વેણાસર રૂટ પર છેલ્લા 6 અઠવાડિયાથી બસની ગંભીર સમસ્યા ચાલી રહી છે. અગાઉ આ બસ જડેશ્વર રૂટ પર જતી હોવાથી મોડી પડતી હતી, જેના કારણે વિદ્યાર્થીઓ સાંજે 4:00, 4:30 કે 5:00 વાગ્યે માંડ ઘરે પહોંચી શકતા હતા. આ મામલે ડેપો તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી ત્યારે શ્રાવણ મહિનો પૂરો થતાં જ બસ નિયમિત થઈ જશે તેવી ખાતરી આપવામાં આવી હતી. જોકે, માત્ર 2 દિવસ બસ નિયમિત ચાલ્યા બાદ ફરીથી બસો મેળાઓમાં ફાળવી દેવાતા મુશ્કેલી સર્જાઈ છે.વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ, ઘાંટીલા અને વેણાસર એમ 2 અલગ-અલગ રૂટ માટે 2 બસની જરૂરિયાત છે, તેની જગ્યાએ તંત્ર દ્વારા માત્ર 1 જ બસ દોડાવવામાં આવે છે. જેના કારણે વિદ્યાર્થીઓ અને મુસાફરો બસમાં સમાઈ શકતા નથી અને ભારે ભીડ વચ્ચે મુસાફરી કરવી પડે છે. આજે આ બાબતે ડેપોમાં રજૂઆત કરવા જતાં સંતોષકારક જવાબ ન મળતાં અને બીજી બસ મૂકવાનો ઇનકાર કરાતા નાછૂટકે વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શનનો માર્ગ અપનાવવો પડ્યો હતો.એક વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે, છેલ્લા 15 દિવસથી બસનો મોટો પ્રશ્ન ઊભો થયો છે. બસ સમયસર ન આવવાને કારણે આજે સવારે પણ વિદ્યાર્થીઓને બસના દરવાજે લટકીને મુસાફરી કરવાની નોબત આવી હતી. વિદ્યાર્થીઓએ ગંભીર આક્ષેપ કરતા કહ્યું છે કે, ડેપો પર કોઈ અધિકારી કે મેનેજર યોગ્ય જવાબ આપતા નથી. અગાઉ 4 થી 5 ફેરા થતા હતા, પરંતુ હવે બપોરના સમયે એક પણ બસ સમયસર મુકાતી નથી. ડ્રાઈવર અને કંડક્ટર પણ ખેવારીયા ગામમાં બસ લઈ જવાની ચોખ્ખી ના પાડી દે છે. વિદ્યાર્થીઓને કંડક્ટરને વારંવાર વિનંતીઓ કરવી પડે છે. મેનેજરને રજૂઆત કરવા છતાં તેઓ માત્ર ખોટા વાયદાઓ કરે છે અને ડેપોના નંબર પર ફોન કરવાથી પણ કોઈ જવાબ આપવામાં આવતો નથી. ખેવારીયા ગામ માટે માત્ર 1 જ બસની સુવિધા છે અને તે ગામની અંદર જતી હોવાથી બસ સ્ટાફ ત્યાં જવા આનાકાની કરે છે. ડેપો મેનેજરે જણાવ્યું હતું કે, વેણાસર રૂટની બસ અત્યારે બંધ છે. ત્રણ દિવસના મેળામાં 10 થી 12 બસ વધારવામાં આવી છે. 10 ડ્રાઈવર, 5 કંડક્ટર અને 5 મશીન પણ મોકલવાના છે. આ એક લોકપ્રસિદ્ધ મેળો છે, જે 7 તારીખ સુધી ચાલશે. વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ છેલ્લા છ મહિનાથી આ પ્રશ્નનો સામનો કરી રહ્યા હોવાની વાતને નકારતા મેનેજરે કહ્યું કે, મેળો અને શનિ-રવિના કારણે આવું થયું છે. સાતમ-આઠમ અને રક્ષાબંધન પણ હતા. વિદ્યાર્થીઓની 10 દિવસ પહેલાની રજૂઆત બાબતે મેનેજરે કહ્યું કે, તેમને સમજાવવામાં આવ્યા હતા. મેળાનું સંચાલન હોવાથી થોડું મિક્સ કરવું પડે છે. બે દિવસમાં વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે.Morbi #MorbiUpdate #GSRTC #MorbiBusStand #StudentProtest #Venasar #Ghatila #STBus #GujaratNews