પ્લાસ્ટર ઓફ પેરિસ અને ઝેરી રંગોની મૂર્તિઓનું જળાશયોમાં વિસર્જન કરવા પર પ્રતિબંધ: અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચરનું જાહેરનામું પ્રસિદ્ધ મોરબી અપડેટ: મોરબી જિલ્લામાં ગણેશ ચતુર્થીના પર્વ નિમિત્તે ઠેર-ઠેર ભગવાન ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી છે. આ પવિત્ર પર્વ દરમિયાન પર્યાવરણની જાળવણી અને કુદરતી જળ સ્ત્રોતોમાં પ્રદૂષણ અટકાવવા માટે મોરબી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા કેટલાક મહત્વપૂર્ણ પ્રતિબંધાત્મક હુકમો જાહેર કરવામાં આવ્યા છે.ગણેશ મહોત્સવ દરમિયાન મૂર્તિ સ્થાપના અને વિસર્જનને લઈને કેન્દ્રીય અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, વન અને પર્યાવરણ વિભાગ તેમજ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.જાહેરનામાના મુખ્ય પ્રતિબંધો અને સૂચનાઓ: • મૂર્તિ નિર્માણ: ભગવાન ગણેશજીની મૂર્તિઓ બનાવવા માટે સિન્થેટિક, પ્લાસ્ટર ઓફ પેરિસ કે કેમિકલયુક્ત ઝેરી રંગોનો ઉપયોગ કરી શકાશે નહીં. • વિસર્જન સ્થળ: મૂર્તિઓનું વિસર્જન ડેમ, તળાવ, નદી, કૂવા કે સમુદ્ર જેવા પીવાના પાણીના જળસ્ત્રોતોમાં કરી શકાશે નહીં. સ્થાનિક સત્તામંડળે નક્કી કરેલા સુનિશ્ચિત સ્થળો સિવાય અન્ય જગ્યાએ વિસર્જન કરવા પર પ્રતિબંધ છે. • મૂર્તિની ઉંચાઈ: મંડપ/સ્થાપના સ્થળે ગણેશજીની પ્રતિમાની ઉંચાઈ બેઠક સહિત વધુમાં વધુ 12 ફૂટ સુધીની જ રાખી શકાશે. જ્યારે વિસર્જન સરઘસમાં વાહન સહિત પ્રતિમાની કુલ ઉંચાઈ 15 ફૂટથી વધારે ન હોવી જોઈએ. • સ્વચ્છતા: મૂર્તિકારોએ મૂર્તિ બનાવવાની કે વેચાણની જગ્યાની આસપાસ ગંદકી કરવી નહીં. સ્થાપના દિવસ બાદ વેચાણમાં રહેલી કે ખંડિત થયેલી મૂર્તિઓ બિનવારસી હાલતમાં મૂકી શકાશે નહીં. • સરઘસના નિયમો: સક્ષમ સત્તાધિકારીની પૂર્વ મંજૂરી વગર ગણેશ વિસર્જન કે ધાર્મિક સરઘસ કાઢી શકાશે નહીં. સરઘસ મંજૂરીમાં દર્શાવેલા રૂટ પર જ કાઢવાનું રહેશે. • અન્ય નિયમો: મંડપો વિસર્જન પૂર્ણ થયા બાદ એક દિવસથી વધુ સમય સુધી રાખી શકાશે નહીં. કોઈ ધર્મની લાગણી દુભાય તેવા ચિન્હો કે નિશાનીવાળી મૂર્તિઓ બનાવી, ખરીદી, વેચી કે સ્થાપન કરી શકાશે નહીં. વિસર્જન કર્યા બાદ મૂર્તિઓને પાણીમાંથી બહાર કાઢી પરત લાવી શકાશે નહીં.આ જાહેરનામા મુજબના પ્રતિબંધાત્મક હુકમો આગામી તારીખ 25/09/26 સુધી મોરબી જિલ્લામાં અમલમાં રહેશે. આ હુકમનો અનાદર કે ભંગ કરનાર વ્યક્તિ સામે કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.#MorbiUpdate #MorbiNews #GaneshChaturthi #EcoFriendlyGanesha #PollutionControl #GaneshVisarjan #MorbiDistrict #PublicNotice #Morbi