ગણેશ સ્થાપનાને 3 દિવસ વીતવા છતાં કલેક્શન સેન્ટર શરૂ ન થયા : ભાવિકોને વહેલા વિસર્જન માટે નદી-નાળાનો સહારો લેવો પડે તેવી નોબતમોરબી અપડેટ : મોરબી મહાનગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટેનું આયોજન જાણે લોલમલોલ હોય તેવું લાગી રહ્યું છે. ગણપતિ મહોત્સવના 3 દિવસ પૂરા થઈ ગયા છે અને ઘણા લોકો 3 દિવસે, કેટલાક 5 દિવસે ગણેશજીનું વિસર્જન કરતા હોય છે. છતાં પણ મહાપાલિકાએ હજુ પણ મૂર્તિના કલેક્શન સેન્ટર શરૂ કર્યા નથી. આ ઉપરાંત વિસર્જન સ્થળ પણ હજુ સુધી નક્કી થયું નથી. સામાન્ય રીતે મોટાભાગની મહાનગરપાલિકાઓમાં ગણપતિ મહોત્સવ શરૂ થાય તે પહેલા જ વિસર્જન સ્થળ અને કલેક્શન સેન્ટરો નક્કી કરવામાં આવતા હોય છે. પરંતુ મોરબી મહાનગરપાલિકા દ્વારા હજુ સુધી કલેક્શન સેન્ટરો અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. એસ્ટા શાખાના અધિકારી નકુમ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગયા વખતના જે 4 સ્થળ હતા તે જ સ્થળો રાખવામાં આવ્યા છે. બીજી તરફ આ 4 સ્થળોએ પણ મોટેભાગે 7મા દિવસ પછી જ કલેક્શન કરવામાં આવતું હોવાનું જાણવા મળી રહ્યું છે. અત્યાર સુધી આ કલેક્શન સેન્ટર શરૂ કરવામાં આવ્યું ન હોવાનું પણ લોકો જણાવી રહ્યા છે.આ ઉપરાંત, વિસર્જન કયા સ્થળે કરવું તે પણ હજુ સુધી મહાનગરપાલિકા દ્વારા નક્કી કરવામાં આવ્યું નથી. અધિકારીઓના જણાવ્યા મુજબ આજ સાંજ સુધીમાં વિસર્જન સ્થળ નક્કી થઈ જશે. ત્રીજા દિવસે જ ઘણા લોકો મૂર્તિનું વિસર્જન કરી નાખતા હોય છે, ત્યારે વિસર્જન માટે કોઈ સ્થળ જ નક્કી કરવામાં ન આવતા નદી-નાળામાં વિસર્જન કરવાની નોબત આવે તેવી પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે.#MorbiUpdate #GaneshVisarjan #MunicipalCorporation #GaneshUtsav #LocalNews #GujaratNews