પંદરથી વીસ દિવસ પૂર્વે થયેલી ઇલેક્ટ્રિક વાયરની ચોરીની ઘટનામાં એક સાથે ફરિયાદ નોંધાતા આશ્ચર્યહળવદ : રાજ્યમાં ગુન્હાખોરીનો ગ્રાફ ઉંચો ન ચડે તે માટે પોલીસ ચોરીની ઘટનામાં મોટાભાગે આરોપીઓ પકડાઈ ગયા બાદ જ ફરિયાદ નોંધી બાદમાં ગણતરીની કલાકોમાં જ ચોરને પકડી લીધાનું જાહેર કરતી હોય છે ત્યારે આવા જ એક બનાવની શક્યતાના મોરબી જિલ્લાના હળવદ તાલુકામા હળવદ, કડીયાણા અને ઘનશ્યામગઢ ગામના સિમ વિસ્તારમાં ત્રણ ખેડૂતોના કોપરના કેબલ વાયરની ચોરી થવાની ઘટનામાં 15થી 20 દિવસ બાદ એક સાથે ત્રણ - ત્રણ ફરિયાદ નોંધવામાં આવતા ચોર પકડાઈ ગયાના સંકેત મળી રહ્યા છે.હળવદ પંથકમાં વાડી વિસ્તારમાં ચોરીની પ્રથમ ઘટનામાં હળવદ ગામની ઠળિયા પાર્ટી સીમમાંથી આરોપી ગણપતભાઈ દેવજીભાઈ પરમાર રહે.હળવદ જૂની મામલતદાર કચેરી પાસેની વાડીએથી તસ્કરો 120 ફૂટ કેબલ વાયર કિંમત રૂ.12 હજારની ગત તા.20 ઓગસ્ટના રોજ ચોરી કરી ગયા હોવાની ફરિયાદ નોંધાઇ છે.જ્યારે બીજા બનાવમાં હળવદના કડીયાણા ગામની સીમમાંથી તસ્કરો ગત તા.10 ઓગસ્ટના રોજ ખજૂરી સીમમાંથી ફરિયાદી કનુભાઈ વાલાભાઈ ઠુંગાની વાડીએથી 200 ફૂટનો કોપર કેબલ કિંમત રૂપિયા 15 હજારની ચોરી કરી ગયાની ફરીયાદ નોંધાઇ છે. આ ઉપરાંત ત્રીજા બનાવમાં હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામની સીમમાંથી તસ્કરો દીપકભાઈ આંબારામભાઈ સંઘાણીની વાડીએથી પણ ગત તા.28 ઓગસ્ટના રોજ 200 ફૂટ કેબલ વાયર કિંમત રૂ.15 હજારની ચોરી કરી ગયા હોવાની ફરિયાદ પોલીસે નોંધતા કેબલ ચોર તસ્કર પોલીસની હાથવેંતમાં હોવાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.