પગ લપસતા નદીમાં ખાબક્યો: જે જાળીથી આજીવિકા રળતો હતો તે જ શરીરે વીંટળાઈ જતા જીવ ગુમાવ્યોટંકારા (મોરબી અપડેટ) : ટંકારાની ડેમી નદીમાં માછીમારી કરવા ગયેલા એક યુવાનનું પાણીમાં ડૂબી જવાથી કરુણ મૃત્યુ નીપજ્યું છે. ટંકારાના ખડિયાવાસ, ગાયત્રીનગરના ખૂણે રહેતા પ્રદિપ બાલુભાઇ કુઢિયા ડેમી નદી પર પગ લપસી જતાં નીચે નદીના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.પ્રાપ્ત વિગતો અનુસાર, પ્રદિપભાઈ છેલ્લા ઘણા વર્ષોથી ડેમી નદીમાં માછીમારી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. નિત્યક્રમ મુજબ તેઓ નદીએ માછીમારી કરવા ગયા હતા ત્યારે અકસ્માતે તેમનો પગ લપસી ગયો હતો. આ દુર્ઘટનામાં સૌથી કરુણ બાબત એ રહી કે, નદીમાં પડતી વખતે માછલી પકડવાની જાળ તેમના શરીરમાં વીંટળાઈ ગઈ હતી. જાળ શરીરે વીંટળાઈ જવાના કારણે તેમના માટે પાણીમાંથી બહાર નીકળવું અશક્ય બની ગયું હતું. જે જાળી વર્ષોથી તેમને અને તેમના પરિવારને જીવાડતી હતી, તે જ જાળીએ તેમનો જીવ લીધો હોવાનો કમનસીબ ઘાટ સર્જાયો હતો.આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને તરવૈયાઓની મદદથી ભારે જહેમત બાદ યુવાનના મૃતદેહને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. આ બનાવ અંગે ટંકારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહનો કબજો મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કરુણ ઘટનાને પગલે પરિવારમાં અને સમગ્ર પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.#Morbi #Tankara #DemiRiver #TragicDeath #Accident #Drowning #MorbiUpdates #MorbiNews #GujaratNews