ડૉક્ટર અને વકીલની જેમ શિક્ષકોને પણ અલગ વ્યાવસાયિક ઓળખ આપવા માંગ ઉઠીમોરબી અપડેટ : શિક્ષક એટલે માત્ર શિક્ષણ આપનાર વ્યક્તિ નહીં, પરંતુ ભાવિ પેઢીના ઘડવૈયા, સંસ્કારદાતા અને રાષ્ટ્રનિર્માણના પાયાના શિલ્પી. શિક્ષકની આ વિશિષ્ટ ભૂમિકા અને વ્યાવસાયિક ઓળખને સમાજમાં વધુ ગૌરવપૂર્ણ સ્થાન મળે તેવા હેતુથી ગુજરાત રાજ્ય શિક્ષણ સેવા વર્ગ-3 (નો.ક.) કર્મચારી મંડળ, ગાંધીનગર – મોરબી ઘટક તથા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ, મોરબી દ્વારા રાજ્યના શિક્ષકોના નામ આગળ “Tr.” (Teacher) ઉપસર્ગના સત્તાવાર ઉપયોગને મંજૂરી આપવા માટે શિક્ષણ મંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત આ માંગ અંગેનું આવેદનપત્ર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી, મોરબી ખાતે રૂબરૂ આપવામાં આવ્યું હતું અને શિક્ષકોની આ લાગણીને સરકારના સંબંધિત તંત્ર સુધી પહોંચાડી જરૂરી કાર્યવાહી કરવા અપીલ કરવામાં આવી છે.“Dr.”, “Adv.” અને “Prof.” ની જેમ શિક્ષકો માટે “Tr.” ની ઓળખની માંગરજૂઆતમાં જણાવાયું છે કે સમાજમાં વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ વ્યાવસાયિક ઓળખ ધરાવતા વ્યક્તિઓના નામ આગળ “Dr.”, “Adv.”, “Prof.” જેવા ઉપસર્ગોનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપસર્ગો માત્ર સંબોધન પૂરતા મર્યાદિત નથી, પરંતુ સંબંધિત વ્યક્તિની વ્યાવસાયિક ઓળખ, વિશેષતા અને સામાજિક જવાબદારીનું પ્રતિનિધિત્વ કરે છે. તે જ રીતે શિક્ષકનું સ્થાન પણ સમાજમાં અનન્ય છે. શિક્ષક વિદ્યાર્થીઓને માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન આપતા નથી, પરંતુ જ્ઞાન, સંસ્કાર, શિસ્ત, મૂલ્યો, કૌશલ્ય, આત્મવિશ્વાસ અને જવાબદારીની ભાવનાનું સિંચન કરે છે. એક સારા શિક્ષકના માર્ગદર્શનથી ઘડાયેલી પેઢી જ સમાજ અને રાષ્ટ્રના ભવિષ્યનું નિર્માણ કરે છે. આથી શિક્ષકની આ વિશિષ્ટ ભૂમિકાને અનુરૂપ તેમના નામ આગળ “Tr.” (Teacher) ઉપસર્ગના સત્તાવાર ઉપયોગને માન્યતા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.રજૂઆતના મુખ્ય હેતુઓ - શિક્ષકોમાં આત્મગૌરવ અને વ્યાવસાયિક ગૌરવની ભાવના વધુ મજબૂત કરવી. - સમાજમાં શિક્ષકના પવિત્ર અને જવાબદારીસભર વ્યવસાયની આગવી ઓળખ સ્થાપિત કરવી. - શિક્ષકોના મનોબળમાં વધારો કરી તેમને વધુ ઉત્સાહપૂર્વક શિક્ષણકાર્ય માટે પ્રેરિત કરવા. - નવી શિક્ષણ નીતિ – NEP-2020 ના મૂલ્યોને અનુરૂપ શિક્ષકની કેન્દ્રીય ભૂમિકાને વધુ ગૌરવ આપવું. - રાજ્યના શિક્ષક સમાજને એક સમાન અને ગૌરવપૂર્ણ વ્યાવસાયિક ઓળખ આપવી.“Tr.” માત્ર ઉપસર્ગ નહીં, શિક્ષકના ગૌરવની ઓળખસંગઠન દ્વારા ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે કે “Tr.” ઉપસર્ગનો હેતુ કોઈ અન્ય વ્યવસાયની સમકક્ષતા દર્શાવવાનો નથી, પરંતુ શિક્ષકના વ્યવસાયની આગવી ઓળખ અને ગૌરવને સન્માન આપવાનો છે. ડૉક્ટર સારા સ્વાસ્થ્યનું નિર્માણ કરે છે, ઇજનેર વિકાસના માળખાં ઊભાં કરે છે, પરંતુ આ તમામ ક્ષેત્રો માટે જરૂરી માનવબળના ઘડતરમાં શિક્ષકની ભૂમિકા મૂળભૂત અને અવિભાજ્ય છે. આ સંદર્ભે શિક્ષણ મંત્રીને કરવામાં આવેલી રજૂઆત તથા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી, મોરબી ખાતે આપવામાં આવેલા આવેદનપત્રને ગંભીરતાથી ધ્યાને લઈ તમામ શિક્ષકોના નામ આગળ “Tr.” ઉપસર્ગના સત્તાવાર ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવે તેવી શિક્ષક સમાજની અપેક્ષા છે. સંગઠને અંતમાં જણાવ્યું છે કે, “શિક્ષકનું ગૌરવ વધશે, તો શિક્ષણનું ગૌરવ વધશે અને શિક્ષણનું ગૌરવ વધશે તો રાષ્ટ્રનું ભવિષ્ય વધુ ઉજ્જવળ બનશે.”#Morbi #MorbiUpdate #TeachersPride #TrPrefix #EducationDepartment #MorbiNews #GujaratTeachers #NEP2020 #RespectTeachers